કોચ નહીં બનવાથી નારાજ રવિ શાસ્ત્રીનું આઈસીસી ક્રિકેટ સમિતિમાંથી રાજીનામું

મુંબઇ: ટીમ ઇન્ડિયાના કોચ તરીકે અનિલ કુંબલેની પસંદગીથી નારાજ ટીમ ઇન્ડિયાના પૂર્વ ડાયરેક્ટર રવિ શાસ્ત્રીએ હવે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ની ક્રિકેટ સમિતિમાંથી રાજીનામું આપી દીધું છે. મીડિયા પ્રતિનિધિ તરીકે છેલ્લાં છ વર્ષથી આ સમિતિના સભ્ય રહેલા રવિ શાસ્ત્રીએ પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે.

દરમિયાન વાનખેડે સ્ટેડિયમમાં છેલ્લા ત્રણ દાયકા સુધી પીચ ક્યુરેટર રહેલા સુધીર નાઇકે પણ પોતાનું રાજીનામું આપી દીધું છે. ટેસ્ટ ક્રિકેટર રહી ચૂકેલા સુધીરનો મુંબઇ ક્રિકેટ એસોસિયેશન (એમસીએ) સાથે બે વર્ષનો કરાર હતો. જે ૩૧ મે, ર૦૧૬ના રોજ સમાપ્ત થઇ ગયો હતો. એવું કહેવાય છે કે દ‌િક્ષણ આફ્રિકા સામે એક વન ડે મેચમાં પરાજય બાદ રવિ શાસ્ત્રીએ તેમના કામ સામે સવાલ
ઉઠાવ્યો હતો.

ર૦૧પમાં સાઉથ આફ્રિકા વિરુદ્ધ પાંચમી વન ડેમાં ભારતીય ટીમની સજ્જડ હાર બાદ ડાયરેક્ટર રવિ શાસ્ત્રીએ વાનખેડેની પીચ પર સવાલ ઉઠાવ્યા હતા અને અહેવાલો અનુસાર રવિ શાસ્ત્રીએ એ વખતે સુધીર નાઇકને અપશબ્દો પણ કહ્યા હતા. એમસીએના જોઇન્ટ સેક્રેટરી પી.વી. શેટ્ટીએ સુધીરનું રાજીનામું મળી ગયાની વાતને સમર્થન આપ્યું છે અને હવે ટૂંક સમયમાં નવા પીચ ક્યુરેટરની નિમણૂક કરવામાં આવશે.

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની ક્રિકેટ સમિતિમાંથી રવિ શાસ્ત્રીના રાજીનામા અંગે અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે. બીસીસીઆઇએ ટીમ ઇન્ડિયાના ચીફ કોચ માટે તેની ઉપેક્ષા કરતાં તેેણે રાજીનામું આપ્યું છે કે કેમ? તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. એવું કહેવાય છે કે છેલ્લા કેટલાક સમયથી રવિ શાસ્ત્રી આ હોદ્દા પરથી રાજીનામું આપવાનું વિચારી રહ્યો હતો અને તેણે આઇસીસી ચેરમેન શશાંક મનોહરને પણ પોતાની ઇચ્છા જણાવી દીધી હતી.

આઇસીસી અને બીસીસીઆઇના મોટા ભાગના અધિકારીઓ હાલ એ‌િડનબર્ગમાં આઇસીસીની વાર્ષિક કોન્ફરન્સમાં વ્યસ્ત હોવાના કારણે શાસ્ત્રીએ કયા કારણસર રાજીનામું આપ્યું છે તે હજુ જાણવા મળ્યું નથી. રવિ શાસ્ત્રીએ શશાંક મનોહરને જણાવી દીધું હતું કે તેણે આ સમિતિમાં લાંબો સમય વીતાવ્યો છે અને હવે અન્ય કોઇએ તેનું સ્થાન લેવું જોઇએ. આ સમિતિની બેઠક સામાન્યતઃ ઉનાળામાં યોજાય છે, પરંતુ આઇપીએલ સાથે કોમેન્ટરી કરારને કારણે રવિ શાસ્ત્રી માટે આ બેઠકમાં હાજરી આપવી મુશ્કેલ બનતી હતી. આ વર્ષે તા.ર અને ૩ જૂનના રોજ યોજાયેલ બેઠકમાં રવિ શાસ્ત્રી હાજર રહ્યો નહોતો.

You might also like