હું એવી વ્યક્તિ છું, જે બિનજરૂરી સામાન સાથે લઈ જવાનું પસંદ કરતો નથીઃ રવિ

મુંબઈઃ ભારતીય ટીમ માટે અગાઉ બે વર્ષ સુધી ડિરેક્ટરની ભૂમિકા નિભાવી ચૂકેલા મુખ્ય કોચ રવિ શાસ્ત્રીનું કદ હાલ ઘણું વધી ગયું છે. હાલ તે ટીમ ઇન્ડિયાનો હેડ કોચ પણ બની ગયો છે. તે પોતાની નવી ભૂમિકાને અગાઉના કાર્યકાળને આગળ વધારવા જેવું જ સમજી રહ્યો છે.

એક અખબાર સાથેની વાતચીતમાં શાસ્ત્રીએ કહ્યું, ”હું એ પ્રકારની વ્યક્તિ છું, જે બિનજરૂરી સામાન સાથે લઈ જવાનું પસંદ કરતો નથી. એવું નથી કે હું આવી જ રીતે જીવ્યો છું અને ક્રિકેટ રમ્યો છું. આથી જ મારે શા માટે મારી જાતને બદલવી જોઈએ. હું વર્તમાનમાં જીવવાનું પસંદ કરું છું અને પ્રત્યેક દિવસ અંગે વિચારું છું.” શાસ્ત્રીએ એવી પણ સ્પષ્ટતા કરી કે રાહુલ દ્રવિડ અને ઝહીર ખાન ફક્ત સલાહકાર છે અને સંપૂર્ણ સમયના કોચ તરીકે ભરત અરુણના આગળ વધવાની શક્યતાઓ છે.

ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમના કોચપદેથી અનિલ કુંબલેએ રાજીનામું આપી દીધા બાદ બીસીસીઆઇની ક્રિકેટ સલાહકાર સમિતિએ રવિ શાસ્ત્રીને આ જવાબદારી માટે પસંદ કર્યો છે. શાસ્ત્રીનો કાર્યકાળ ઈંગ્લેન્ડમાં યોજાનારા ૨૦૧૯ના વર્લ્ડકપ સુધી નક્કી કરવામાં આવ્યો છે. શાસ્ત્રીને કેપ્ટન વિરાટ કોહલીની પહેલી પસંદ માનવામાં
આવે છે.

સચીન તેંડુલકર, સૌરવ ગાંગુલી અને લક્ષ્મણની બનેલી ક્રિકેટ સલાહકાર સમિતિએ ઝહીર ખાનને બોલિંગ કોચ અને વિદેશ પ્રવાસ માટે રાહુલ દ્રવિડને ટેસ્ટ બેટિંગ સલાહકાર બનાવ્યા છે. જોકે પૂર્ણ સમયનાે કોચ રવિ શાસ્ત્રી જ છે અને આ વાત તે દર્શાવી પણ ચૂક્યો છે. શાસ્ત્રીના જણાવ્યા અનુસાર દ્રવિડ અને ઝહીરની સેવાઓ ખાસ પ્રસંગે લેવાતી રહેશે.

ઝહીરનો કરાર વર્ષમાં ફક્ત ૧૫૦ દિવસ માટે જઃ સૌરવ
કોલકાતાઃ ક્રિકેટ સલાહકાર સમિતિ (સીએસી)ના સભ્ય સૌરવ ગાંગુલીએ કહ્યું કે ટીમ ઇન્ડિયાના નવા બોલિંગ સલાહકાર ઝહીર ખાનને પ્રત્યેક સિઝનમાં ૧૫૦ દિવસના કરારનો પ્રસ્તાવ અપાયો છે. ઈડન ગાર્ડન્સમાં ગાંગુલીએ પત્રકારોને કહ્યું, ”ઝહીરને વર્ષમાં ૧૫૦ દિવસ માટે કરારબદ્ધ કરવામાં આવ્યો છે.” એવું કહેવાય છે કે ઝહીર વર્ષમાં ૧૦૦ દિવસથી વધુ ભારતીય ટીમને આપવા ઇચ્છતો નહોતો, પરંતુ સીએસીએ સમજાતા ઝહીર ૧૫૦ દિવસ ટીમ ઇન્ડિયા સાથે રહેવા સંમત થયો હતો. ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચના પદ પર શાસ્ત્રીની નિમણૂક બાદ પણ વિવાદ ખતમ થયો નથી.
http://sambhaavnews.com/

You might also like