ટીમ ઇન્ડિયાના કોચ માટે પ૭ અરજીઃ શાસ્ત્રીને ચાર દિગ્ગજોનો પડકાર

નવી દિલ્હી: ટીમ ઇન્ડિયાના હેડ કોચ બનવા માટે પ૭ લોકોએ અરજી કરી છે. બીસીસીઆઇ પાસે પ૭ અરજદારોના સીવી પહોંચી ગયા છે. મીડિયા રિપોર્ટના અહેવાલ અનુસાર હેડ કોચની દોડમાં ટીમના પૂર્વ ડાયરેક્ટર રવિ શાસ્ત્રી સામે સંદીપ પાટીલ, વેંકટેશ પ્રસાદ, લાલચંદ રાજપૂત અને રોબિનસિંહ જેવા ધરખમ ક્રિકેટર તરફથી પડકાર ઊભો થયો છે.

બીસીસીઆઇના સેક્રેટરી અજય શિર્કેએ જણાવ્યું હતું કે ટીમ ઇન્ડિયાના હેડ કોચ માટે અરજી સુપરત કરવાની છેલ્લી તા.૧૦ જૂન રાખવામાં આવી હતી. આ દરમિયાન નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલના કુલ પ૭ કોચે આ પદ માટે અરજી કરી છે.

બીસીસીઆઇમાં સેક્રેટરી લેવલના એક અધિકારી આ અરજીઓમાંથી યોગ્ય ઉમેદવારની પ્રાઇમરી સ્ક્રૂટિની કરશે અને ત્યાર બાદ જેમનાં નામ શોર્ટલિસ્ટ થશે તેમના અંગે જરૂરી પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. બીસીસીઆઇની જાહેરાતના થોડા દિવસ બાદ રવિ શાસ્ત્રીએ હેડ કોચ બનવા અરજી કરી હતી. ત્યાર બાદ સંદીપ પાટીલે પણ આ પોસ્ટ માટે ફોર્મ ભર્યું છે. સંદીપ પાટીલ હાલ ટીમ ઇન્ડિયાના મુખ્ય સિલેક્ટર છે. આ ઉપરાંત લાલચંદ રાજપૂત, રોબિનસિંહ, વિક્રમ રાઠોડ અને બલવિંદરસિંહ સંધુના નામ કોચની રેસમાં સામેલ છે. પૂર્વ ફાસ્ટ બોલર વેંક્ટેશ પ્રસાદે પણ પોસ્ટ માટે અરજી કરી છે.

જોકે રવિ શાસ્ત્રી ટીમ ઇન્ડિયાના હેડ કોચ માટે હોટ ફેવરિટ છે. બીસીસીઆઇના નવા પ્રમુખ અનુરાગ ઠાકુર પણ રવિ શાસ્ત્રીની ભારોભાર પ્રશંસા કરે છે, એટલું જ નહીં પ્રમુખ બનતાં પહેલાં અનુરાગ ઠાકુરે રવિ શાસ્ત્રીનંી મુલાકાત લીધી હતી. રવિ શાસ્ત્રી ટીમ ઇન્ડિયાના ડાયરેક્ટરપદે પણ રહી ચૂકયા છે. તેમની સાથે કોઇ મોટો વિવાદ સંકળાયેલો નથી અને વિરાટ કોહલીની નજીક માનવામાં આવે છે.

ટીમ ઇન્ડિયાના હેડ કોચની પસંદગી પ્રક્રિયા હેઠળ નામ શોર્ટ લિસ્ટ થયા પછી સચીન તેંડુલકર, સૌરવ ગાંગુલી અને વીવી લક્ષ્મણની બનેલી એડ્વાઇઝરી કમિટી પાસે જશે. ત્યાર બાદ આ મહિનાના અંતે મળનારી એક્ઝિકયુટિવ કમિટીની મિટિંગમાં આખરી નિર્ણય લેવાશે.

You might also like