રવિ પૂજારીના નામે શિક્ષકને ધમકી તો આપી, પણ ઝડપાઈ ગયા

અમદાવાદ: ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યો તેમજ અગ્રણીઓને અંડરવર્લ્ડ ડોન રવિ પૂજારીએ ફોન કરીને ધમકી આપવાનો મુદ્દો અત્યારે ચર્ચાસ્પદ છે ત્યારે નરોડા વિસ્તારમાં ડોન રવિ પૂજારીના નામે પડોશીએ શિક્ષકને ફોન કરીને ધમકી આપવાનો કિસ્સો સામે
આવ્યો છે.

નરોડા પોલીસે રવિ પૂજારીના નામે ફોન કરનાર બે યુવકની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે.  નરોડા દહેગામ રોડ પર આવેલા દેવાશિષ-ર ફલેટમાં રહેતા અને શિક્ષક તરીકે ફરજ બજાવતા વિપુલ રમેશભાઇ પટેલ નરોડા પોલીસ સ્ટેશનમાં રવિ પૂજારીને નામે ધમકી ભર્યા ફોન આવવાના મામલે ફરિયાદ દાખલ કરાવતાં પોલીસ બેડામાં ચકચાર મચી ગઇ હતી. ઘટનાની ગંભીરતા લઇ પોલીસે તપાસ કરતાં રવિ પૂજારીના નામે વિપુલ પટેલના પડોશમાં રહેતા ઉમેશ મૂકેશભાઇ વ્યાસ તેમજ જયદીપસિંહ સોલંકી (રહે.રાધિકા બંગ્લોઝ, શાલિન વિદ્યાલય સામે, નરોડા)એ ફોન કર્યા હોવાનું સામે આવતાં બંને યુવકની અટકાયત કરી છે.

પોલીસ સૂત્રના જણાવ્યા અનુસાર વિપુલભાઇ પટેલે થોડાક દિવસ પહેલાં કોઇ કારણથી ઝઘડો થતા ઉમેશભાઇના પિતા મૂકેશભાઇ વ્યાસને ધક્કો માર્યો હતો. જેની અદાવત રાખી ઉમેશે વિપુલભાઇને રવિ પૂજારીના નામે ફોન કર્યો હતો અને સમાધાન કરવું હોય તો પ૦ હજાર રૂપિયા આપવા પડશે તેવી ધમકી આપી હતી. ત્યાર બાદ જય‌દીપસિંહે પણ વિપુલભાઇને રવિ પૂજારીને નામે ધમકી આપી હતી. ગઇ કાલે મોડી રાત્રે નરોડા પોલીસે વિપુલની ફરિયાદના આધારે ઉમેશ વ્યાસ તેમજ જયદીપસિંહ વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરી છે.
http://sambhaavnews.com/

You might also like