રાજકોટમાં ગાડી અને ટ્રાવેલ્સ વચ્ચે ગમખ્વાર અકસ્માત : 3નાં મોત

રાજકોટ : રાજકોટ ખાતે ખંઢેરી સ્ટેડિયમ નજીક એક ગાડીને ખાનગી ટ્રાવેલ્સે ઝપટે લેતા ત્રણ લોકોનાં મોત નિપજ્યા છે. જામનગરથી રાજકોટ તરફ આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સ એજન્સીની બસે કારને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયંકર હતી કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

મૃતકોમાં બે સ્ત્રીઓ અને એક પુરૂષનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં 9 લોકોને ઇજા થતા તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બનાવનાં પગલે ભારે ટ્રાફીક જામ સર્જાયો હતો. જો કે પોલીસે ઘટનાં સ્થળે જઇને ટ્રાફીકને હળવો કર્યો હતો.

ટ્રાફીકને હળવો કરવા માટે પોલીસે તુરંત કાર્યવાહી કરતા ક્રેન દ્વારા કારને ખસેડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. કારનો પાછળનાં ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જેનાં કારણે ક્રેનની મદદથી તેને લઇ જવાઇ હતી.

આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત અશોકસિંહ ચુડાસમાને માથા તથા પાંસળીનાં ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી. તેમણે જણાવ્યું કે અચાનક જ કોઇ પાછળથી વજ્રાઘાત થયો હોય તેવું લાગ્યું હતું. કારમાં બુમાબુમ થઇ ગઇ હતી અને કાર રસ્તા પર ઘસડાઇ હતી. ત્યાર બાદ કોઇ હોશ રહ્યા નહોતા.

જ્યારે મને હોશ આવ્યો ત્યારે ચારેબાજુ કોલાહલ હતો અને મને 108માં સુવડાવવામાં આવી રહ્યો હતો. મને માથાનાં તથા પાછળનાં ભાગે અસહ્ય દુખાવો થઇ રહ્યો હતો. સાથે સાથે મારૂ લોહી પણ વહી રહ્યું હતું.

You might also like