મોસાળમાંથી ભગવાન સ્વગૃહે પરત ફર્યા

અમદાવાદ: જગન્નાથજી આજે ૧પ દિવસના મોસાળ ખાતેના રોકાણ બાદ ‌નિજ મંદિરે પરત ફરતાં મંદિર પરિસર શ્રદ્ધાળુઓથી દર્શન માટે છલકાયું હતું. ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલભદ્રજી ‌નિજ મંદિર પધાર્યા બાદ નેત્રોત્સવવિધિ બાદ તેમને આંખે પાટા બાંધી બિરાજમાન કરાયા હતા. આજે ભગવાને સોના વેશમાં દર્શન દેતાં હજારો સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો હતો. સાંજની મહાઆરતી મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલની ઉપસ્થિતિમાં યોજાશે. ભગવાનને ગર્ભગૃહમાં બિરાજમાન કરાયા બાદ પરંપરાગત વૈદિક મંત્રોચ્ચાર સાથે તેમની આંખે પાટા બાંધવાની વિધિ કરાઇ હતી.

ભાજપ પ્રદેશ પ્રમુખ અને વાહન વ્યવહાર પ્રધાન વિજય રૂપાણી તેમજ મેયર ગૌતમ શાહે મુખ્ય અતિથિ તરીકે ધ્વજારોહણ કર્યા બાદ આરતી કરવામાં આવી હતી, જેમાં રાજ્યપાલ ઓ.પી. કોહલીએ શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો.

આ વર્ષે ચતુર્ગ્રહી આજે બની રહ્યો છે. સોમવારે સોમવતી અમાસ સાથે ચતુર્ગ્રહી યોગનો સમન્વય હોઇ આ વિશિષ્ટ દિવસે ૧પ દિવસે પ્રભુના દર્શન માટે હજારોની ભીડ મંદિર પરિસરમાં જામી હતી. બપોરે વસ્ત્રદાનનો અવસર યોજાશે. જેમાં રાજ્યના પ્રધાનમંડળના બે સિનિયર પ્રધાન ની‌તિન પટેલ અને રમણભાઇ વોરા ઉપસ્થિત રહેશે.

ભગવાન ૧પ દિવસના લાંબાગાળા બાદ ‌નિજ મંદિરે પરત આવતા હોઇને કાલી રોટી-માલપૂઆ અને ધોળી દાળ-દૂધપાકનો ભંડારો યોજાયો હતો. જેમાં રપ૦૦થી વધુ સાધુ-સંતોએ પ્રસાદનો લાભ લીધો હતો. ભગવાન ‌નિજ મંદિરે પરત આવતા હોઇ વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જામી હતી. વર્ષે એક જ વાર યોજાતા ભંડારામાં સાધુ-સંતો ઉપરાંત મોસાળિયાઓ અને રથયાત્રાના તમામ યજમાનોએ પણ હાજરી આપી હતી.

આ ઉપરાંત ભગવાન જે રથમાં બિરાજમાન થઇ રથયાત્રાએ નીકળશે તે ત્રણેય રથની પ્રતિષ્ઠાવિધિ આજે કરવામાં આવી હતી. આજે સાંજે સાડા છ વાગ્યે થનારી મહાઆરતી અને પૂજનમાં રાજ્યના મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ હાજરી આપશે. નેત્રોત્સવવિધિ, ધ્વજારોહણ અને આરતી પ્રસંગે વિજય રૂપાણી, ગૌતમ શાહ ઉપસ્થિત રહ્યા હતા અને ભંડારાનો પ્રસાદ લીધો હતો.

You might also like