Video: રાજકોટમાં વાજતે-ગાજતે નગરચર્યાએ નિકળ્યા શ્રી જગન્નાથજી

રાજકોટ: રાજકોટમાં નાના મવા ખાતે આવેલા કૈલાશધામ આશ્રમમાં બિરાજતા ભગવાન જગન્નાથના મંદિર ખાતેથી આજે સવારે જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી. જેમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજીને રથમાં બેસાડી અદભુત રીતે રથને શણગારવામાં આવ્યો હતો.

રાજકોટમાં છેલ્લા આઠ વર્ષથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે એવું કહેવામાં આવે છે જગન્નાથ પૂરી સુધી બધા ભક્તજનો પહોંચી શકતા નથી ત્યારે તેના પ્રતિક સ્વરૂપે દરેક શહેરમાં ભગવાન જગન્નાથનું મંદિર સ્થાપિત છે. રાજકોટમાં પણ નાના મવા ખાતે ભગવાન જગન્નાથનું મંદિર આવેલું છે. જ્યાંથી આજે સવારે જગન્નાથ યાત્રા નીકળી હતી જેમાં સાધુ સંતોની સાથે ભક્તજનો મોટી સંખ્યામા જોડાયા હતા.

રાજકોટમાં 20 કિલોમીટરની જગન્નાથ યાત્રાના પ્રસ્થાન વખતે અનેરું ધાર્મિક વાતાવરણ જોવા મળ્યું હતું. ભક્તજનો પૂરી આસ્થા સાથે આ યાત્રામાં ભગવાન જગન્નાથના દર્શન માટે પહોંચી ગયા હતા. યાત્રાની સાથે-સાથે સાધુ સંતોએ ભગવાન જગન્નાથના સાનિધ્યમાં લીન થઈને અવનવા કરતબ પણ બતાવ્યા હતા અને આના દ્વારા પોતાની ભગવાન પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરી હતી.

શહેરના રાજમાર્ગો ગણાતા કાલાવડ રોડ, રૈયા રોડ, યુનિવર્સીટી રોડ, રેસકોર્સ રોડ સહિતના રસ્તાઓ પર સાંજ સુધી ભગવાન જગન્નાથની યાત્રા ફરશે. અને લોકો ભગવાન જગન્નાથના દર્શન કરી ધન્યતા અનુભવશે લોકોમાં જગન્નાથની યાત્રાનું અનેરું મહત્વ જોવા મળે છે લોકો રથયાત્રાને જોવા માટે રસ્તા પર આવી ગયા હતા જોકે સમગ્ર પોલીસની સુરક્ષા વ્યવસ્થા સાથે જગન્નાથ યાત્રા નીકળી રહી છે.

You might also like