શંકા કે ભયને બદલે શ્રદ્ધા રાખવાથી શુભ નીપજે

ઘણા બધા લોકોનું એક નિરીક્ષણ છે કે માણસની જિંદગીમાં ખરેખર દુઃખોનું જે પ્રમાણ હોય છે તે કરતાં અનેકગણું વધુ દુઃખ તેઓ વેઠે છે, કેમ કે કોઈ પણ આપત્તિ કે અકસ્માત સામે આવે કે ના આવે પણ તેની કલ્પના અગાઉથી કરીને માણસ ઘણીબધી પીડા વેઠે છે. એક વ્યક્તિને ત્રણ દિવસ પછી શસ્ત્રક્રિયા કરાવવાની હોય તેવા કેસમાં ખરેખર શસ્ત્રક્રિયા થાય અને તેનાથી જે કંઈ પીડા તેણે વેઠવી પડે તે-પણ હજુ તો શસ્ત્રક્રિયા થઈ જ નથી તે પહેલાં તે અંગેની જાતજાતની કલ્પના કરીને એ વ્યક્તિ પારાવાર પીડા અનુભવે છે. સાચોસાચ તો પીડા આવે ત્યારે ખરી-આ તો પીડા કે પરીક્ષા આવ્યા પહેલાં જ માણસ કલ્પના કરીને દુઃખી થાય છે!

એક મિત્રને અમેરિકા જવાનું થયું. તેમને મુંબઈ સુધી મૂકવા જવાનું થયું. સવારે પાંચ વાગ્યે મોટરરસ્તે મુંબઈ જવાનો અમારો કાર્યક્રમ હતો. એમનું વિમાન તો આંતરરાષ્ટ્રીય વિમાનમથકેથી રાત્રે પોણા બાર વાગ્યે ઊપડવાનું હતું. સમયસર પહોંચી શકાય તે માટે સલામતમાં સલામત સમયગાળો અમે રાખ્યો હતો. એટલે ચિંતાને આમ તો કોઈ કારણ નહોતું પણ સવારે પાંચ વાગ્યે રવાના થતા પહેલાં ઘરમાંથી બહાર નીકળતાં જ બિલાડી આડી ઊતરી! પગ તરત થંભી ગયા. પાંચ મિનિટ પછી મોટરમાં બેસીને રવાના થયા પણ માર્ગમાં જ્યાં પણ કાંઈક અવરોધ જેવું લાગે ત્યાં તરત બિલાડીનાં દર્શન થતાં! હકીકતે બિલાડી આડી ઊતરે તો કંઈ ઊંધુંચત્તું થઈ જાય છે એ વાત તદ્દન ખોટી જ છે. આપણે માનીએ કે બિલાડી આડી ઊતરી અને બિલાડીને લાગતું હશે કે માણસ આડો ઊતર્યો! અમદાવાદથી મુંબઈ સુધીના રસ્તામાં ઠેરઠેર મોટા અકસ્માતો નજરે પડ્યા અને આ અકસ્માતને કારણે ઠેરઠેર સંખ્યાબંધ ભારખટારાઓની લાંબી કતારો લાગી ગઈ હતી.

આ બધું છતાં અમે તો બિલકુલ વખતસર સાંજે છ વાગ્યા પહેલાં આંતરરાષ્ટ્રીય વિમાનમથકે પહોંચી ગયા! મિત્રે હસતાં હસતાં ટકોર કરીઃ “એવું લાગે છે કે બિલાડીએ આપણને અપશુકન નહીં પણ શુકન કરાવ્યાં હતાં.” પણ અહીં જે મુદ્દો છે તે એ છે કે આપણે ખરેખર કશું ખરાબ બન્યું ન હોય છતાં કશુંક ખરાબ બનવાની ‘ભડક’ અનુભવીએ છીએ અને આપણે જાણે ડરતાં ડરતાં જીવીએ છીએ. ઈશ્વરમાં માનો કે બીજા ગમે તેમાં માનો-તમારે જે બનશે તે છેવટે સારું જ બનશે અને જે બનશે તે ખરાબ હશે તો પણ તેમાંથી આપણો શક્ય તેટલો ઉગાર થશે તેવી શ્રદ્ધા રાખવી જ પડે છે.

માણસે બધી જ બાબતમાં શ્રદ્ધા કેળવવી પડે છે. શ્રદ્ધા મરજિયાત વિષય છે જ નહીં. શ્રદ્ધા અનિવાર્ય જરૂરિયાત છે. માણસે તેના બહુ લાંબા અનુભવે જાણ્યું છે કે શ્રદ્ધા ફળે છે. તેમાંથી ચોક્કસ કશુંક સારું જ નીપજે છે. શ્રદ્ધાને બદલે શંકા રાખવાથી કે ‘ભડક’ રાખવાથી જીવવાનું જ મુશ્કેલ બની જાય છે. શ્રદ્ધાથી કંઈક પણ ‘શુભ’ નીપજે, ભયથી-ભડકથી તો નુકસાન જ સંભવે. અમેરિકામાં કેન્સરના રોગના કારણે જેટલા લોકો મરે છે તેમાં દસ ટકા લોકો ખરેખર કેન્સરથી નહીં પણ તેની ‘ભડક’થી મૃત્યુ પામે છે. આની સામે હૃદયરોગ, ક્ષયરોગ અને એવા બીજા અનેક વ્યાધિઓની બાબતમાં જેમણે જેમણે શ્રદ્ધા રાખી, હિંમત રાખી તે આવા રોગ સામે વિશેષ ટક્યા છે. હસીને જીવ્યા ને સાથે પોતાનું કામ પણ કરીને ગયા છે. કેન્સર જેવા રોગ છતાં તેમણે જીવવાનું બંધ કરવાનો ઇનકાર કર્યો છે.

આવા રોગને પોતાના કોઈ પાપની શિક્ષા કે ઈશ્વરનો કોપ પણ ગણતા નથી. રામકૃષ્ણ પરમહંસને તેમની ૪૮ વર્ષની ઉંમરથી લોહીની ઊલટીઓ થતી. તેમને કેન્સર હતું. પણ તેમણે તો આ પીડાને પરમાત્મા સાથેની નિકટની સગાઈ રૂપે જ જોઈ. અમેરિકાના મહાત્મા થોરોને ક્ષય રોગ હતો પણ એ રોગને લીધે તેની મસ્તમિજાજીમાં કોઈ ફરક પડ્યો નહોતો. જે વ્યાધિ, જે પીડા સામે આવી તેનો પૂરી હિંમતથી મુકાબલો કર્યો અને તેમણે પોતાના જીવનને તેની સમગ્રતામાં જોયું અને તેને એક અદ્‌ભુત અનુભૂતિ રૂપે જ માણ્યું. તેમણે સુખદુઃખના, આનંદ-પીડાના કે માન-અપમાનના અલગ અલગ ખાનાંમાં જીવનને વહેંચ્યું નહીં અને જમા-ઉધારના અલગ હિસાબ પણ માંડ્યા નથી.

http://sambhaavnews.com/

You might also like