પોલીસ કમિશનરની આગેવાનીમાં રથયાત્રાનું ગ્રાન્ડ રિહર્સલ યોજાયું

અમદાવાદ: ભગવાન જગન્નાથની ૧૪૧મી રથયાત્રાને લઇ શહેર પોલીસે સુરક્ષા બંદોબસ્તને આખરી ઓપ આપી દીધો છે. આજે સવારે અમદાવાદ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, પેરામિલિટ્રી ફોર્સ અને પોલીસકર્મીઓ સાથે રથયાત્રાના રૂટ પર રિહર્સલ કર્યું હતું.

પોલીસ કમિશનર એ.કે. સિંઘે જણાવ્યું હતું કે રથયાત્રાની સુરક્ષાની તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ગઈ છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તમામ સુરક્ષા પોઇન્ટ, ધાબા પોઇન્ટ અને સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરી હતી. રથયાત્રાને લઈને સમગ્ર રૂટ પર ચાંપતો પોલીસ બંદોબસ્ત તહેનાત કરી દેવામાં આવ્યો છે.ખાસ કરીને શાહપુર અને દરિયાપુર જેવા સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ દ્વારા સુરક્ષાને લઈને વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે.

આજે સવારે પોલીસ કમિશનર એ.કે. સિંઘે સમગ્ર રથયાત્રાના રૂટ પર સુરક્ષાનું નિરીક્ષણ કર્યું હતું. જગન્નાથ મંદિરેથી સરસપુર અને સરસપુરથી નિજ મંદિર સુધી સુરક્ષાને લઈ તમામ વ્યવસ્થાને જવામાં આવી હતી. તંબુ ચોકીએ પોલીસ કમિશનરે અધિકારીઓને સુરક્ષાને લઈ માર્ગદર્શન પણ આપ્યું હતું.

આ વખતે ઇઝરાયેલી ટેક્નોલોજીની મદદ રથયાત્રામાં લેવામાં આવી છે. હિલિયમ ડ્રોન બલૂનની મદદથી સમગ્ર રથયાત્રા પર નજર રાખવામાં આવશે. દિલ્લી ચકલા આર.સી ટેક્નિકલ સ્કૂલ પાસે આવતી કાલે હિલિયમ ડ્રોન બલૂનનો ડેમો કરવામાં આવશે. સાયબર ક્રાઈમ અધિકારીઓ અને સાયબર એક્સપર્ટ આ બલૂન દ્વારા રથયાત્રા પર ચાંપતી નજર રાખશે.

કાલુપુર ચોખા બજારથી લઇ દરિયાપુર વિસ્તારના જોર્ડન રોડ થઇ અને દિલ્લી ચકલા સુધી ડીસીપી કક્ષાના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આર એ એફ , બીએસએફ, એસઆરપી, મહિલા બીએસએફની કંપની તૈનાત કરવામાં આવી છે. દરિયાપુરમાં અને શાહપુર વિસ્તારમાં ૧૦૦થી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. પોલીસ અધિકારીઓએ તમામ સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરી હતી અને તેમાં રહેલી ખામીઓને દૂર કરવા જણાવ્યું હતું.

You might also like