રથયાત્રા જોવા ગયેલા માસૂમ રણછોડનું ટ્રેકટરની અડફેટે આવી જતાં મોત

અમદાવાદ: ગઇ કાલે અષાઢી બીજના તહેવાર દરમિયાન કલોલ શહેરમાં યોજાયેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિહાળવા આવેલ ૧૪ વર્ષનો એક માસૂમ બાળક ટ્રેકટરની અડફેટે આવી જતાં તેનું મોત થતાં આ ઘટનાએ ભારે અરેરાટી ફેલાઇ હતી. પોલીસે આ અંગે ટ્રેકટર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે કલોલ નજીક આવેલા રામનગરમાં રહેતા પાટીદાર પરિવારના પિતા પુત્ર ગઇ કાલે રથયાત્રા નિહાળવા માટે કલોલ આવ્યા હતા. દસ વર્ષીય રણછોડ ઉર્ફે સની અને તેના પિતા દિનેશભાઇ પટેલ કલોલના પંચવટી નજીક રથયાત્રા જોવા ઊભા હતા ત્યારે ટ્રેકટરના ચાલકે ટ્રેકટરને રિવર્સમાં લેતાં સની ટ્રેકટરની ટ્રોલીમાં ચડવા જતાં અકસ્માતે નીચે પટકાયો હતો અને ટ્રેકટરનું વ્હીલ તેના પર ફરી વળતાં ગંભીર ઇજાઓ થવાના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

મળતી માહિતી પ્રમાણે દિનેશભાઇના એકના એક પુત્રનું રથયાત્રાના દિવસે જ અકસ્માતમાં મોત થતાં રામનગરમાં શોકની લાગણી ફેલાઇ હતી. આ ઘટનાને પગલે રામનગરમાં લોકોના ટોળે ટોળાં ભેગાં થયાં હતાં. પોલીસે આ અંગે ટ્રેકટર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like