રથયાત્રાના સ્વાગત વખતે મ્યુનિ. હોદ્દેદારોનાં તડાં સપાટી પર અાવ્યાં

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા દાયકા કરતાં વધુ સમયથી ભાજપ પાસે સત્તાનાં સૂત્રો છે. ભાજપ ગત ઓક્ટોબર ર૦૧પની ચૂંટણીમાં ફરીથી ચૂંટાઇ આવીને સતત ત્રીજી ટર્મથી શાસન સંભાળે છે. આમ તો ભાજપની છાપ શિસ્તપ્રિય પક્ષ તરીકેની છે તેમ છતાં અવારનવાર પક્ષના ઉચ્ચ હોદ્દેદારો વચ્ચેનો આંતરિક જૂથવાદ એક અથવા બીજા પ્રકારે સપાટી પર આવતો રહ્યો છે.

જમાલપુર મંદિરથી દર અષાઢી બીજે નીકળતી ઐતિહાસિક રથયાત્રાને વર્ષોથી શહેરીજનો વતી મેયર દ્વારા ખમાસા દાણાપીઠ ખાતેના મ્યુનિસિપલ મુખ્યાલયમાં પરંપરાગત રીતે ઉમળકાભેર વધાવવામાં આવે છે. આ અવસરે કોર્પોરેશનના પદાધિકારીઓ કોર્પોરેટરો અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહે છે. મેયર ગૌતમ શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવીણ પટેલ, ભાજપના નેતા બિપિન સિક્કા અને કોંગ્રેસના નેતા દિનેશ શર્મા વગેરે ઉચ્ચ પદાધિકારીઓએ મહંતના આશિષ લીધા હતા, પરંતુ મહંતની વિદાય બાદ અચાનક સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવીણ પટેલે પણ કોર્પોરેશનમાંથી વિદાય લેતાં મ્યુનિસિપલ ભાજપમાં ગણગણાટ ફેલાયો હતો. જોકે સ્ટેન્ડિંગ ચેરમેનની કસમયની વિદાય માટે જાણકાર સૂત્રો એવું કહે છે કોર્પોરેશનની રથયાત્રાની સ્વાગતની કમાનમાં ફક્ત મેયરની તસવીર હોવાથી સ્ટેન્ડિંગ ચેરમેન ખફા થયા હતા.

સ્વાગતની કમાનમાં શાસક પક્ષના ટોચના હોદ્દેદારની તસવીર રાબેતા મુજબ હોય છે. જે તસવીરો આ વખતે ગાયબ હતી. જોકે સ્ટેન્ડિંગ ચેરમેન પ્રવીણ પટેલને આ અંગે પૂછતાં તેઓ કહે છે જગન્નાથ મંદિરમાં દર્શન વેળાએ હું અને મેયર સાથે જ હતા, મારે ગાંધીનગરના સાદરા ખાતે પારિવારિક બાબરીનો પ્રસંગ હતો. સવારનો ૧૦-૩૦ વાગ્યાનો અવસર હોવાથી હું વહેલો નીકળી ગયો. મારી કોઇના પ્રત્યે એક ટકો પણ નારાજગી નથી.
http://sambhaavnews.com/

You might also like