રથયાત્રા રૂટનાં જોખમી મકાનોના સર્વેનું ફરીથી ‘નાટક’ ભજવાયું!

અમદાવાદ: અમદાવાદની અસ્મિતાના પ્રતીકરૂપ અષાઢી બીજના પાવન પર્વે નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાના દિવસો ગણાઇ રહ્યા છે. ત્યારે કોર્પોરેશન દ્વારા પ્રતિવર્ષની જેમ રથયાત્રા રૂટ પરનાં ભયજનક મકાનોના સર્વેનું નાટક પણ ભજવાઇ ગયું છે.

જમાલપુરના જગન્નાથજી મંદિરથી પ્રતિવર્ષની જેમ અષાઢી બીજે સવારે ૭ વાગ્યાના સુમારે ભગવાન જગન્નાથજી સપરિવાર નગરચર્યાએ નીકળશે. આશરે ૧૪ કિ.મી. લાંબા રથયાત્રાના રૂટ પર એક કિ.મી.ના સરસપુરના કોટ વિસ્તારના બહારના વિસ્તારમાં રથયાત્રા ફરશે. પ્રભુના મોસાળ ગણાતા સરસપુર સિવાય સમગ્ર રથયાત્રા કોટ વિસ્તારમાં ફરશે.

આ વખતે પણ મધ્ય ઝોન દ્વારા રાબેતા મુજબનો સર્વે કરીને રાબેતા મુજબની નોટિસ ફટકારાઇ છે. સ્માર્ટ સિટીનાં ઢોલનગારાં વગાડતા સત્તાવાળાઓએ રથયાત્રા રૂટ પરનાં ભયજનક મકાનોના મામલે કોઇ જ નવી કામગીરી કરી નથી! ભયજનક મકાનોની સાદી વી‌િડયોગ્રાફી પણ કરાઇ નથી!

મ્યુનિ. સત્તાધીશોના સર્વે મુજબ દરિયાપુર વોર્ડમાં સૌથી વધુ ૭૬ ભયજનક મકાનો છે, જ્યારે સૌથી ઓછાં બે ભયજનક મકાન શાહપુર વોર્ડમાં આવ્યાં છે. ગત વર્ષનાં ૧૮૦ ભયજનક મકાનો પૈકી ૩૦ મકાનની મરામત થઇ છે જ્યારે ૧૬ નવાં ભયજનક મકાનનો ઉમેરો થતાં આ વર્ષે રથયાત્રા રૂટ પરનાં ભયજનક મકાનોની કુલ સંખ્યા ૧૬૬ થઇ છે.

You might also like