ભગવાનના ભક્તોને રપ હજાર કિલો મગ, ૬૦૦ કિલો જાંબુની અપાશે પ્રસાદી

અમદાવાદ: આગામી ૬, જુલાઇ બુધવારના રોજ ભગવાન જગન્નાથજીની ૧૩૯મી રથયાત્રા નીકળનાર છે. જેને લઇ જમાલપુર સ્થિત જગન્નાથજી મંદિર દ્વારા આજે પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. તેમાં રથયાત્રાની માહિતી અપાઇ હતી. રથયાત્રામાં ૧૮ શણગારેલા ગજરાજ, ૩૦ અખાડા, ૧૮ ભજનમંડળી, ૩ બેન્ડવાજાં, ૧૦૧ ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રક રહેશે.

દેશભરમાંથી બે હજાર જેટલા સાધુ સંતો રથયાત્રામાં ભાગ લેવા આવી પહોંચશે. સાધુ સંતો સાથે હજારથી બારસો જેટલા ખલાસી ભાઇઓ રથ ખેંચશે. રથયાત્રા દરમિયાન જગન્નાથજી મંદિર તરફથી લોકોને પ્રસાદ વહેંચવામાં આવે છે તેમાં રપ,૦૦૦ કિલો મગ, ૬૦૦ કિલો જાંબુ, ૩૦૦ કિલો કેરી, ૩૦૦ કિલો કાકડી અને બદામ તથા બે લાખ ઉપરણાં પ્રસાદી રૂપે આપવામાં આવશે.

સોમવારે સવારે ભગવાન જગન્નાથજી, મોટાભાઇ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે મોસાળથી પરત ફરશે. ભગવાનનો ગર્ભગૃહમાં પ્રવેશ, વિશિષ્ટ પૂજન વિધિ અને નેત્રોત્સવ વિધિ કરવામાં આવશે. રાજ્યપાલ ઓ.પી. કોહલી સવારે વિશિષ્ટ પૂજા આરતી કરવામાં આવશે. મેયર ગૌતમ શાહ દ્વારા મંદિરના ધ્વજારોહણની વિધિ કરાશે. આ જ દિવસે બપોરે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરાયું છે.

રથયાત્રાના આગલા દિવસે મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ સાંજે વિશિ‌ષ્ટ પૂજા આરતી કરશે. રથયાત્રાના દિવસે સવારે ૪-૦૦ વાગ્યે મંગળા આરતી થશે. જેમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહ હાજર રહેશે. ભગવાનને પરંપરાગત ખીચડી, કોળું અને ગવારફળીનાં શાકનો વિશિષ્ટ ભોગ ધરાવાશે. મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ સવારે ૭ કલાકે પહિન્દ વિધિ કરાવી રથયાત્રાને પ્રસ્થાન કરાવશે.

You might also like