રથયાત્રાની સુરક્ષામાં પ૦૦૦ જેટલા વોલન્ટિયર્સની મદદ લેવાશે

અમદાવાદ: ગત વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રા અને રમઝાન ઇદનો તહેવાર સાથે સાથે આવી રહ્યો છે. જેથી પોલીસ દ્વારા સુરક્ષાને લઇ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ છે. બંને તહેવારો શાંતિપૂર્ણ રીતે અને કોમી એકતામાં પૂર્ણ થાય તેને લઇ છેલ્લા એક મહિનાથી રૂટ પર આવતા તમામ સોસાયટી, મહોલ્લા કમિટી સાથે મિટિંગ અને વોલન્ટિયર્સની ટીમ બનાવી છે. તેઓને પોલીસ સહાયકનાં કાર્ડ અપાશે અને શાંતિથી રથયાત્રાનો તહેવાર પૂર્ણ થાય તેવું આયોજન કરાયું છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સંવેદનશીલ તેમજ અતિસંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ અધિકારીઓ દ્વારા જાતે જઇ મિટિંગ યોજવામાં આવી છે. દરેક સોસાયટી, મહોલ્લામાંથી દસેક જેટલા વોલન્ટિયર્સની ટીમ બનાવાઇ છે. ખાસ કરીને નમાજના સમયે રથયાત્રા નીકળે ત્યારે કોઇ અસામાજિક કાંકરીચાળો ન કરે તેમજ ટ્રાફિકના પ્રશ્નોને દૂર કરવાની વોલન્ટિયર્સને જવાબદારી સોંપાઇ છે. જેઓ પોલીસને મદદ કરશે.

મુખ્યત્વે યુવાનોને આ મહોલ્લા મિટિંગમાં શાંતિથી રથયાત્રા અને ઇદનો તહેવાર પૂર્ણ થાય તે માટે પોલીસની મદદ કરવા જણાવાયું છે. પોલીસે તકેદારીનાં પગલાંરૂપે એક મહિનામાં ૬૧ લોકોને પાસા, ૧૭ને તડીપાર, ૭૪૬ને પ્રોહિબિશનના ગુના હેઠળ અટકાયત કર્યા છે. કુલ ૯૪પ૩ લોકો સામે અટકાયતી પગલાં લેવાયાં છે.

ગત વર્ષે કચ્છમાં યોજાયેલી ડીજીપી મીટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાજ્યો વચ્ચે સંબંધો સુધરે અને પોલીસ એકબીજાની સંસ્કૃતિ અને કામગીરી જોઇ શકે તે માટે આંતર રાજ્ય બંદોબસ્ત માટે ટુકડીઓ મોકલે તેવું સૂચન કર્યું હતું. જેને પગલે આ વર્ષે આસામ અને નાગાલેન્ડની બે ટુકડીઓને બોલાવવામાં આવી છે. પોલીસ દ્વારા છેલ્લા એક મહિનાથી ફૂટ પેટ્રોલિંગ શરૂ કરાયું છે. આ વર્ષે કરાઇ ટ્રેનિંગમાં ભાગ લઇ રહેલા રપ૦ જેટલા ટ્રેઇની પીએસઆઇને પણ રથયાત્રાના બંદોબસ્ત માટે બોલાવવામાં આવ્યા છે.

પોલીસ બંદોબસ્ત
આઠ આઇજી,ડીઆઇજી, ૩ર એસ.પી., ૮૪ ડીવાયએસપી, રર૪ પી.આઇ., પ૦૦ પી.એસ.આઇ., ર૭ કંપનીઓ (CRPF, RAF, CISF, BSF, આસામ નાગાલેન્ડની બે ટુકડી). પ૦૦ સીસીટીવી કેમેરા (પ૦ નવા સીસીટીવી), બે ચેતક કમાન્ડોની ટુકડી, ત્રણ માઉન્ટેડ કેમેરા વિહિકલ, ત્રણ બીડીડીએસ, પાંચ નેત્ર, પ૦૦૦ વોલન્ટિયર્સ, ૧૬૦૦૦ પોલીસ

You might also like