રસિક મહેતાની હત્યામાં જેલમાં બંધ જૂના ઘરઘાટીની સંડોવણીની આશંકા

અમદાવાદ: નવરંગપુરાની દર્શન સોસાયટીમાં રહેતા અને ભાજપના કોષાધ્યક્ષ સુરેન્દ્ર પટેલના વેવાઈ રસિકભાઈ મહેતાની હત્યા અને કારની ચોરીના મામલે હાલ જેલમાં બંધ જૂના ઘરઘાટીએ ‌ટીપ આપી હોવાની શંકા પોલીસને લાગી રહી છે. રાત્રે નવ વાગ્યે બંગલામાં મોબાઈલ ફોન પર વાતચીત કરતાં કરતાં એક શખસ પ્રવેશતો નજરે પડે છે, જેથી પોલીસે તે સમયે કયા નંબર આસપાસના વિસ્તારમાં એક્ટિવ હતા તે નંબરોની તપાસ હાથ ધરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ હત્યા-લૂંટની ઘટનામાં કોઈ ‘જાણભેદુ’ સંડોવાયેલો હોવાની પૂરેપૂરી શંકા છે. અગાઉ જે ઘરઘાટી તેમના ત્યાં કામ કરતો હતો તે હાલ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં એક ગુનાના આરોપસર જેલમાં છે. ઘરઘાટીનો સ્વભાવ પણ સારો ન હોવાને લઇ તેને કાઢી મૂક્યો હતો. આરોપી જે કાર લઈને ભાગ્યો તેની બે ચાવી છે, જેમાં એક ચાવી રસિકભાઈના બેડ પાસેના ટેબલ પર પડી હતી અને એક ચાવી રસોડાના ડ્રોઅરમાં હતી. આરોપીએ ડ્રોઅરમાંથી ચાવી કાઢી અને ટેબલ પર મૂકી હતી. ટેબલ પાર પડેલી ચાવી લઇને કાર લઇ તે નાસી છૂટ્યો હતો.

હત્યા કેસમાં ઘરઘાટી જ સંડોવાયેલો હોવાની શંકાને લઇ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજીની ટીમો રાજસ્થાનમાં તપાસ કરી રહી છે. પોલીસ પ્રાંતિજ અને શામળાજી ટોલબૂથ પરથી મળેલા સીસીટીવી ફૂટેજના આધારે રાજસ્થાન હાઈવે પરની હોટલોના સીસીટીવી તપાસીને કારનું લોકેશન મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ પોલીસને હજુ સુધી કાર મળી આવી નથી. પોલીસે ઈલેક્ટ્રોનિક્સ સર્વેલન્સના આધારે તમામ મોબાઈલ ફોનના ડેટા તપાસવાનું શરૂ કર્યું છે.

You might also like