શ્રીકૃષ્ણના અનન્ય ભક્તઃ કવિ રસખાનજી

શ્રીરસખાન વ્રજભાષાના પ્રાચીન લબ્ધપ્રતિષ્ઠ કવિઓમાંના એક હતા. મુસલમાન હોવા છતાં શ્રીકૃષ્ણ કનૈયાના અનન્ય ભક્ત અને ઉપાસક હતા. પોતાના સમાજની ટીકા કે તિરસ્કાર ખમી લઈને પણ નીડરપણે પોતાનો ઇપ્સિતમાર્ગ ગ્રહણ કર્યો હતો. શ્રી મહાપ્રભુજી યમુનાષ્ટકમાં તે જણાવે છે કે શ્રી યમુનાનું પાન કરવાથી સ્વભાવ ઊર્ધ્વગામી બની જાય છે, તે પ્રમાણે શ્રીરસખાન યમુના પુલિન પર આળોટતા ખાનના આકાર બની ગયા હતા.
એમણે કેટલું સાહિત્ય નિર્મિત કર્યું, એ ચોક્કસ ન કહી શકાય. જેમ બેગમ તાજ અને અલીખાન પઠાણનાં શ્રીનાં સ્વરૂપો મળે છે, તેમ મહાકવિ શ્રીરસખાનના સેવ્ય મળતા નથી; પરન્તુ એ નિર્વિવાદ છે કે તેઓ પુષ્ટિમાર્ગીય હતા, એટલું જ નહિ પણ સર્વતંત્ર સ્વતંત્ર પુષ્ટિભક્તના રંગથી તરબોળ હતા. અગોચર, બ્રહ્માંડ નાયક અને વ્યાપક પરમાત્માને તેઓ નહોતા ઓળખતા, પણ નન્દ-યશોદાના આંગણમાં ધૂળથી આચ્છાદિત એવા કનૈયાને જ પિછાનતા હતા, અને તેના લીલાસરોવરમાં જ ડૂબ્યા રહેતા.
તેમની કવિમય કૃતિઓનો સાર નીચે પ્રમાણે છે :
‘‘જો હું મનુષ્યરૂપે ફરીથી જન્મુ તો મારી એ અભિલાષા છે કે આ વ્રજનો ગોપ જેવો નહિ, પણ તે મધ્યનો જ એક થાઉં. પશુ યોનિ મને જો મળે તો શ્રીનન્દરાયની ગાયોમાંથી એક બનું. જડતા પ્રાપ્ત થાય તો શ્રીહરિદાસવર્ય શ્રીગોવર્ધનનો એક પ્રસ્તર થાઉં. અને જો પક્ષીઓમાં મારે પુનર્જન્મ લેવો પડે તો શ્રી યમુના પુલિન પરનાં તરુંઓની શાખાઓ પર બેસી ધ્યાનસ્થ બની શ્રીકૃષ્ણનો વેણુનાદ સાંભળતા વિહંગો (પક્ષીઓ) પૈકી એક થાઉં.’’
તેમણે પ્રભુ પાસે ઐશ્વર્ય ભોગવિલાસ, એટલું જ નહિ, પણ કિંચિત સ્વાર્થે સુખ પ્રક્ટ નથી કર્યું. જેમ શ્રીમદગોપીજનોએ ફલપ્રકરણમાં રુરુદુઃ સુસ્વરં રાજન્ કૃષ્ણદર્શ નલાલસાઃ કેવલ એક જ વાર ત્રિભંગલલિત શ્રીનન્દનન્દનના મુખચન્દ્રનાં દર્શન થઈ જાય, એટલી જ આશા વ્યક્ત કરી હતી. લગભગ તેના જેવી જ કવિવરની નિષ્કામ અભિલાષ ઉક્તિ અવલોકાય છે.
‘‘પ્રભુ જ્યારે શ્રીયશોદાજીથી શીઘ્ર ઊઠી, કલેવો કરી, સ્નાન કરી શૃંગાર ધરી ગોપોથી ઘેરાયેલા વ્રજસ્થિત ભક્તોને વિચિત્ર વેશે દર્શનનું સુખ આપતા, અને ક્ષણાદિમાં વિરહનો તાપ કલેશ ઉત્પન્ન કરતા વૃંદાવન પધારે છે, ત્યારે તેઓએ ધારણ કરેલ કાળી ધાબળી અને લાકડી પર કવિવર કહે છે કે હું સ્વર્ગ, પૃથ્વી અને પાતાળને ઓવારી નાખું, આઠે સિદ્ધિઓ અને નવે નિધિઓનાં સુખ મારા મને શ્રીનંદની ગાયો ચરાવવાની અપેક્ષાહીન છે, અરે ! એક જ વાર જો આ નેત્રથી ફરીથી વ્રજના વન ઉપવનો, સરિતા, સરોવરને જોવાનું મળે તો, વ્રજની કુંજો ઉપર રજત પ્રાસાદો ન્યોછાવર છે.’’
આમાં પ્રભુનાં ચરણોમાં આત્માનું સમર્પણ કરી દે છે. વાસ્તવિકમાં ખરું સુખ, ખરો આનંદ કેવલ શ્રીકૃષ્ણ જ છે. તેની પાસે બ્રહ્માંડોનું સુખ કશા હિસાબમાં નથી. ભક્તકવિ શ્રીદયારામ પણ ગાય છે કે – ‘‘વ્રજ વહાલું રે ! વૈકુંઠ નહિ આવું, ત્યાં હું નંદકુંવર ક્યાંથી લાવું ?’’ ખરું છે. શ્રીકૃષ્ણ વ્રજથી અતિરિક્ત સ્થળે નથી, અને જ્યાં તે છે, ત્યાં જ ખરું સુખ આનંદ અરે ! ભક્તોનું સર્વસ્વ છે. કવિવર આપણને તત્વ જ્ઞાન દેખાડી ભગવાનના સન્મુખ રહેવાનો બોધ આપે છે.
‘‘પ્રત્યેક દેવાધિદેવો તેના ગુણાનુવાદ કરવા છતાંયે તેને પ્રાપ્ત કરી શકતા નથી. યોગીઓ અને તપસ્વીઓ જેના માટે સાધના કરે છે, એવા ત્રિભુવનપતિ વિશ્વમ્ભરને અહીર બાળાઓ છાશ અને માખણ માટે પોતાના આંગણમાં નાચ નચાવે છે.
અહં ભક્તપરાધીન ભક્ત્યાહમેકયા ગ્રાહ્યઃ વગેરે શાસ્ત્રોની ઉક્તિઓનો પડઘો કવિવરની ઉક્ત રચનામાં સ્પષ્ટરૂપે સંભળાય છે, અને સાથે સાથે જીવની નિઃસાધનતા, દુષ્ટતા અરે ! કપટતા સામે પ્રભુની કૃપાલુતા ભક્તાવશ્યતા અને નિષ્કપટતા તરવરી રહે છે. જે ગોપીઓ પ્રભુને નચાવે છે, તેને બુદ્ધિ નથી કે આ બ્રહ્માંડનો નાયક છે, તે તો તેમને કેવલ નંદનો નંદ યશોદાના ઉત્સંગમાં ક્રીડનાર વ્રજનો એક અહીર બાળક સમજે છે. કેટલાકોને નાના બાળકોને ટગાવી ટગાવીને એમને આપવાની ટેવ હોય છે. તેવી રીતે ગોપીઓ પણ પ્રભુને છાશ અને માખણ માટે પોતાના ફળિયામાં ટગાવી ટગાવી, નાચ નચાવી છાશ અને માખણ આપે છે. શ્રી યશોદાએ તો તેમને દોરીએ બાંધ્યા હતા.
યોગીઓ જ્યારે હજારો વર્ષો યોગ સેવે, તપસ્વીઓ તપ કરે, છતાં તેમને પ્રત્યક્ષમાં જેનાં દર્શન નથી થતાં, અને હૃદયે આભાસ જ પ્રાપ્ત થાય છે. એવા તત્વને કુમારિકાઓ પોતાની પાસે માખણ અને છાશની યાચના કરવા છતાં ટગાવે છે, અને ધાર્યું કરાવીને છાશ માખણ અર્પે છે. વેદોના સિદ્ધાન્તને વશ કરવાની આવી શક્તિ અનન્ય ભક્તિ સિવાય અન્ય કોઈમાં નથી, એવો ઉપદેશ અહીં કવિવર આપે છે. (એક સખી પ્રભુની વેણુ ચોરી પ્રભુને રીઝવવા અન્ય સખીને કહે છે.)
મયૂર પિચ્છને શિર પર ધારણ કરીશ, કંઠે ગુંજામાલ અલંકૃત કરીશ, પીતામ્બર ધરીશ, વેણુ ગ્રહણ કરીશ, ગાયોની પાછળ વનમાં ગોપો સાથે સંચરીશ, એટલું જ નહિ પણ આ મુરલીધરની અધરે ધરેલ મુરલીને હુંયે અધરે ધરીશ, કેમકે મને તે પ્રભુ અતિપ્રિય છે; એટલે તેને મેળવવા તું કહે તે સ્વાંગ ધારણ કરીશ.’’
‘‘હે સખી ! જ્યારથી મેં પ્રભુને જોયા છે, ત્યારથી મર્યાદા વીસરી ગઈ છું. ઘરનું બંધન સ્વતઃ તૂટી ગયું છે. જે વેળા તે શ્યામસુન્દર ચારૂવિલોકન શ્રીકૃષ્ણનું સ્મરણ થયું હતું ત્યારે જ કામદેવે મને લૂંટી લીધી હતી. અર્થાત્ આધિપત્ય જમાવ્યું હતું. વર્ષામાં જેમ નદીઓ બંધને તોડી સાગર કને દોડી જાય છે, તેમ હું કુલ કાન-રૂપી મર્યાદાને તોડી શ્રીકૃષ્ણ પ્રતિ દોડી જઈશ, અને તેમાં જ મગ્ન બની પ્રભુની સ્વરૂપ સુધા-રસનું પાન મન ભરીને કરીશ.’’
‘‘રજભર્યા, સુંદર ચોટીવાળા, આંગણાંમાં નુપૂરનો ઝંકાર કરતા, પીતાંબરધારી, કરોડો કામદેવના સૌંદર્યને લજ્જિત કરતા, પ્રભુના શ્રીહસ્તમાંથી જે પક્ષી માખણ રોટી ઊપાડી ઊડી જાય છે, તે ખરેખર ! ધન્ય છે.’’
ઉપલી ત્રણે રચનાઓના આશયમાં શ્રીકૃષ્ણની અનન્યતા એટલે શ્રીકૃષ્ણ પ્રતિ અનન્યતાનો ભાવ દ્રષ્ટિગોચર થાય છે. કવિવરની પ્રત્યેક રચનામાંથી ભગવદ્રસની મધુર-માદકતા સ્ત્રવ્યા કરે છે. શ્રીરસખાનજી શ્રીગુસાંઈજી પછી એતન્માર્ગીય થયા હોય એમ ભાસે છે. તેમની કૃતિઓને આજેય રાષ્ટ્રભાષા-સાહિત્યમાં અષ્ટસખાની રચનાઓ જેવો સમાદર પ્રાપ્ત થાય છે. વ્રજભાષા આધુનિક રાષ્ટ્રભાષા (નેશનલ લેંગ્વેજ)ની જનની છે. પ્રત્યેક પ્રાચ્ય, ઉત્તર અને પૂર્વના કવિઓએ સંસ્કૃત કવિઓના પગલે શ્રીકૃષ્ણ-રાધાની શૃંગાર-ગાથા ગાઈ છે. તેમાં અષ્ટસખા, તાજ અને કવિવર શ્રીરસખાન જેવા નિર્મલ, નિષ્કિંચન અને નિરોધપ્રાપ્ત ભક્તસમા કવિઓ અને કવયિત્રીઓની રચનોર્મિઓ અલૌકિક શ્રીકૃષ્ણના મધુર લીલાર્ણવમાં ઊછળ્યા કરે છે, એટલી વિશેષતા છે. (કામ, ક્રોધ, લોભ, મોહ એ બધા ભાવો પ્રભુમાં યોજી શકાય છે, અને તે દ્વારા પ્રભુ જીવોને અવશ્ય મુક્ત કરે છે, વા લીલામાં લે છે. આવા પ્રત્યેક સૈદ્ધાન્તિક વિષયપ્રતિ કવિવર સ્વકીય કૃતિઓમાં સ્થળે સ્થળે દ્રષ્ટાંતો આપીને ધ્યાન ખેંચે છે, અને તે ભાવિક હૃદયમાં કોતરાઈ રહે છે.
ભક્તકવિ શ્રી રસખાનનું દરેક સાહિત્ય વ્રજભાષામાં છે. અતઃ તેના અભ્યાસીઓ દક્ષિણ અને પશ્ચિમ પ્રદેશમાં બહુ થોડા છે. તેથી તેમની કવિતાઓનો આસ્વાદ ઉત્તર અને મધ્ય ભારત સુધી સીમિત થઈ રહે છે. જો પરિશુદ્ધ મૂળ સાથે ગુજરાતી, હિંદી વા અંગ્રેજી અથવા ત્રણે ભાષાઓમાં ટીકા લખી તેના ફકરાઓથી તેમની સાનુવાદ રચનાએ ટૂંક આલેખન સાથે મુદ્રિત કરી હોય તો તે વિશાળ જગતના પ્રત્યેક રસિકોને આસ્વાદ કરાવી શકે. જો શ્રીરસખાન અન્ય દેશોમાં
જન્મ્યા હોત તો ત્યાંની પ્રજા તેમનું અવશ્ય આધુનિક ભારતીઓની અપેક્ષાએ વધુ મૂલ્યાંકન કરત, એમાં સંદેહને સ્થાન નથી.•
http://sambhaavnews.com/

You might also like