ભારતની ધરતી પર રાશિદ સામે બાંગ્લાદેશ ઘૂંટણિયે પડ્યુંઃ બીજી ટી-૨૦માં પણ પરાજય

દહેરાદૂનઃ સ્પિનર રાશિદ ખાનની શાનદાર બોલિંગને કારણે અફઘાનિસ્તાને બીજી ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં બાંગ્લાદેશને છ વિકેટે હરાવીને ત્રણ મેચની શ્રેણીમાં ૨-૦ની અજેય સરસાઈ હાંસલ કરી લીધી છે. રાશિદે પોતાના ક્વોટાની ચાર ઓવરમાં ફક્ત ૧૨ રન આપીને ચાર વિકેટ ઝડપી.

તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. રાશિદની ખતરનાક બોલિંગ સામે બાંગ્લાદેશની ટીમ આઠ વિકેટે ૧૩૪ રન બનાવી શકી હતી, જેના જવાબમાં સમીઉલ્લા શેનવારી (૪૦ બોલમાં ૪૯ રન) અને મોહંમદ નબી (૧૫ બોલમાં અણનમ ૩૧ રન)ની શાનદાર બેટિંગને અફઘાનિસ્તાને ૧૮.૫ ઓવરમાં જ ચાર વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.

બાંગ્લાદેશે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બાંગ્લાદેશ તરફથી ઓપનિંગ બેટ્સમેન તમીમ ઇકબાલ જ થોડો ઘણો સંઘર્ષ કરી શક્યો હતો.તેણે ૪૮ બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી ૪૩ રન બનાવ્યા હતા. અંતિમ ઓવરોમાં અબુ હૈદરે ઝડપી અણનમ ૨૧ રન બનાવીને બાંગ્લાદેશના સ્કોરને સન્માનજનક સ્થિતિએ પહોંચાડ્યો હતો. રાશિદ ખાન ઉપરાંત મોહંમદ નબીએ પણ બે વિકેટ ઝડપી હતી.

બાંગ્લાદેશ તરફથી લિટન દાસ ૧, તમિમ ઇકબાલ ૪૩, શબ્બીર રહેમાન ૧૩, મુશફિકર રહીમ ૨૨, મહંમદુલ્લાહ ૧૪, કેપ્ટન શાકિબ અલ હસન ૩, સૌમ્ય સરકાર ૩, મોસાદ્દેક હોસૈન ૦૦, અબુ હૈદર અણનમ ૨૧ અને નઝમુલ ઇસ્લામે ૬ રન બનાવ્યા હતા.

જ્યારે બાંગ્લાદેશ તરફથી ઇનિંગ્સની શરૂઆત કરતા મોહંમદ શેહઝાદે ૨૪, ઉસ્માન ગની ૨૧, સમિઉલ્લાહ શેનવારી ૪૯, અસગર સ્ટેનિકઝાઇ ૪, મોહંમદ નબી અણનમ ૩૧ રન બનાવીને ટીમને વિજયી બનાવી હતી.

You might also like