હવે બિગ બેશમાં ચાલશે રાશિદની અફઘાન ફીરકી

એડિલેડઃ અફઘાનિસ્તાનનો સ્ટાર લેગ સ્પિનર રાશિદ ખાન ઓસ્ટ્રેલિયાની ટી-૨૦ લીગ બિગ બેશમાં એડિલેડ સ્ટ્રાઇકર્સ તરફથી રમશે. ૧૮ વર્ષીય આ ક્રિકેટરે આ વર્ષે આઇપીએલમાં ઘણું સારું પ્રદર્શન કર્યું હતું. આઇપીએલમાં રાશિદ સૌથી વધુ સફળ બોલર્સમાંનો એક રહ્યો હતો. બિગ બેશમાં રમનાર રાશિદ પહેલો અફઘાન ખેલાડી બનશે. રાશિદે કહ્યું, ”એડિલેડ સ્ટ્રાઇકર્સ સાથે જોડાઈને હું ઘણો ખુશ છું. આ શાનદાર ટૂર્નામેન્ટમાં ભાગ હોવું એ મોટા સન્માનની વાત છે અને એના કરતાં પણ ગર્વની વાત બિગ બેશમાં રમનાર પહેલો અફઘાન ખેલાડી બનવું એ છે.”

એડિલેડ સ્ટ્રાઇકરના કોચ જેસન ગિલેસ્પીએ આ નિર્ણયની પ્રશંસા કરતાં કહ્યું, ”રાશિદે ટી-૨૦ ક્રિકેટમાં પોતાની કાબેલિયત દેખાડી છે. તની પાસે બોલિંગમાં ઘણી વિવિધતા છે. તે સ્ટમ્પ ટુ સ્ટમ્પ બોલિંગ કરી શકે છે. તેને સમજવો ઘણો મુશ્કેલ છે. હું ખુશ છું કે તેને અમારી ટીમ વતી રમવા માટે પ્રસ્તાવ આપી શક્યા.”

You might also like