રસાલા ગાર્ડનના હાલ બેહાલ

અમદાવાદ: શહેરના પોશ ગણાતા નવરંગપુરા વિસ્તારમાં આવેલા પ્રસિદ્ધ લો ગાર્ડનની નજીક રસાલા ગાર્ડન નેચર પાર્ક આવ્યો છે. મ્યુનિ. કોર્પોરેશનની પાલિકીના જ લો ગાર્ડન અને રસાલા ગાર્ડન છે, પરંતુ લો ગાર્ડનની તુલનામાં રસાલા ગાર્ડનને જાણે કે તંત્ર સાવ વિસરી જ ગયું છે. ઉનાળા વેકેશનના આ સમયગાળામાં ભૂલકાંઓ માટે રસાલા ગાર્ડનનાં હરણ, વાંદરાં, સસલાં સહિતના નિર્દોષ વન્ય જીવો ભારે આકર્ષણનું કેન્દ્ર બની શકે છે તેમ છતાં સત્તાવાળાઓની ઉપેક્ષાથી રસાલા ગાર્ડન નેચર પાર્કના હાલ બેહાલ થયા છે.

સત્તાધારી ભાજપના શાસકો દ્વારા પશ્ચિમના વિસ્તારનાં બાળકો માટે કાંકરિયા પ્રાણી સંગ્રહાલય દૂર પડે તેમ લાગતું હોઈ રસાલા ગાર્ડન નેચર પાર્કને વિકસિત કરાયું હતું. એક પ્રકારે રસાલા ગાર્ડન સ્થાનિક’મિની પ્રાણી સંગ્રહાલય’ છે, પરંતુ લાંબા સમયથી રસાલા ગાર્ડન હાંસિયામાં ધકેલાયું છે. ભાજપના કોર્પોરેટરો પણ રસાલા ગાર્ડનની સુધ બુધ લેતા નથી. જ્યારે મ્યુનિ. રિક્રિએશન કમિટીના ચેરમેન બીજલ પટેલ નજીકના પાલડી વોર્ડના છે અને રસાલા ગાર્ડન તેમની કમિટી હસ્તક હોવા છતાં આ ગાર્ડન પ્રત્યે અગમ્ય કારણસર ઉદાસીન છે. રસાલા ગાર્ડનની સારસંભાળની જવાબદારી કાંકરિયા પ્રાણી સંગ્રહાલય હસ્તક છે, પરંતુ કાંકરિયા પ્રાણી સંગ્રહાલયના ઉચ્ચ અધિકારીઓ પણ અત્રે ભૂલેચૂકેય પણ ફરકતા નથી !

રસાલા ગાર્ડનમાં ભૂલકાંઓ સાથે હરણ, વાંદરાં, સસલાં વગેરે શાકાહારી વન્ય જીવોનો આનંદ માણવા આવતા પરિવારો માટે બેસવા માટે ભાંગેલા-તૂટેલા, ગંદા ગોબરા બાંકડા છે, સસલાં જેવા રમતિયાળ પ્રાણીના હવાડા ચિતરી ઉપજાવે તેવા બન્યાં છે, નાનકડા બાથટબમાં પાણીનું ટીપુંય નથી. તેના પરના પુલના પાટિયાં જ ગાયબ હોઈ બાળકો માટે જોખમરૂપ બન્યો છે અને ખાસ તો વોટર કૂલરના ખુલ્લા તેમજ જમીન પર પડેલા વાયર રમતા રમતા ત્યાં આવી ચઢનાર કોઈ પણ બાળકનું જીવન છીનવી લે તેવા ઘાતક છે. રસાલા ગાર્ડનના દરવાજા પણ બપોરે બારના ટકોરે બંધ કરી દેવાય છે.  જેના કારણે ઉનાળુ વેકેશનમાં પ્રાણીઓ સાથે મોજ માણવા આવતા ભૂલકાંઓને નિરાશ થવું પડે છે.

આ અંગે કાંકરિયા પ્રાણીસંગ્રાહલયના સુપરિટેન્ડેન્ટ ડો. આર. કે. શાહુને પૂછતાં તેઓ કહે છે, “રસાલા ગાર્ડનની માવજત અમે કરીએ છીએ. પશ્ચિમ ઝોનના ઈજનેર વિભાગને રસાલા ગાર્ડનને સુવ્યવસ્થિત રંગરૂપ આપવા પત્ર પણ લખ્યો છે જે માટે આ વર્ષે રૂ. ૨૦થી ૩૦ લાખનું વિશેષ બજેટ પણ ફાળવાશે. રસાલા ગાર્ડન ઉનાળો હોઈ બપોરના સમયગાળામાં પણ બાળકો માટે ખૂલ્લો રાખવાની સંબંધિત અધિકારીઓને સૂચના અપાશે.”

You might also like