‘રેરા’ની વેબસાઇટનાં હજુ ઠેકાણાં નથીઃ બિલ્ડરોને ગાંધીનગરના ધક્કા

અમદાવાદ: રાજ્ય સરકારે રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ એક્ટ (રેરા)નો અમલ તો શરૂ કરી દીધો છે, પરંતુ ઓનલાઇન થનારી રેરાની કામગીરી માટે સરકારે હજુ વેબસાઇટ શરૂ નહીં કરી હોવાના કારણે અમદાવાદ સહિતના રાજ્યભરના બિલ્ડર્સ અને બ્રોકર્સનું ર‌િજસ્ટ્રેશન અટકી ગયું છે. પરિણામે બિલ્ડરોને ફર‌િજયાત ગાંધીનગરમાં ર‌િજસ્ટ્રેશન ફોર્મ લેવા-ભરવા સહિતની કામગીરી માટે ગાંધીનગરના ધક્કા ખાવા પડી રહ્યા છે.

રેરા એક્ટ મુજબ ઓથોરિટી (ચેરમેન અને ઓછામાં ઓછા બે સભ્ય)ની નિમણૂક કરવાની હોય છે. ૧ મેથી સરકારે બિલ્ડરોને આ એક્ટનું પાલન કરવા આદેશ આપ્યો છે અને ત્રણ માસની અંદર બિલ્ડરોએ ર‌િજસ્ટ્રેશન કરાવી લેવાની પણ સૂચના છે. એક માસ વીતી જવા છતાં હજુય સરકારે ઓથોરિટીના સભ્યોની નિમણૂક કરી નથી એટલું જ નહીં, ઓનલાઇન કરવાની થતી રેરાની કામગીરી માટે હજુ વેબસાઇટ પણ બનાવી નથી. આવા સંજોગોમાં બિલ્ડરે જો રેરા ર‌િજસ્ટ્રેશન કરાવવાનું હોય તો ફર‌િજયાતપણે મેન્યુઅલ સિસ્ટમનો સહારો લેવો પડે.

હાલમાં રેરાની કચેરી ગાંધીનગર ખાતે હોઇ બિલ્ડરો અને બ્રોકરો ગાંધીનગરના ધક્કા ખાઇ રહ્યા છે. રેરામાં બિલ્ડરો પાસેથી ર થી ૧૦ લાખ અને બ્રોકરો પાસેથી રૂ.૧૦ હજારની ફી ર‌િજસ્ટ્રશન માટે વસૂલાશે. રેરાના અધ્યક્ષ તરીકે મંજુલા સુબ્રમણ્યમની નિમણૂક કરાઇ છે, પરંતુ હજુ સુધી અન્ય બે સભ્યની નિમણૂક કરાઇ નથી. હાલમાં ગાંધીનગર શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગને રેરાના ર‌િજસ્ટ્રેશન ફોર્મ સ્વીકારવાની અને તેને લગતી કાર્યવાહી કરવાની જવાબદારી આપવામાં આવી છે.

આ અંગે ગાહેડના પૂર્વ પ્રમુખ સુરેશ પટેલે જણાવ્યું હતું કે કોઇ પણ નવો કાયદો આવે ત્યારે તેના ઇ‌િમ્પ્લમેન્ટેશનમાં સમય લાગે છે. ઝડપથી ગુજરાતમાં રેરા કાયદાના અમલીકરણ માટેની સરળ સગવડો ઉપલબ્ધ થશે. આ અંગે ગુુડાના અધિકારી એમ. આર. શાહે જણાવ્યું હતું કે સમગ્ર પ્રક્રિયા રેરા કમિટી કે કચેરી તરફથી થશે. અમને હજુ કોઇ સ્પષ્ટ સૂચના મળી નથી, જેથી આ અંગે હાલમાં કશું કહી શકાય નહીં.
http://sambhaavnews.com/

You might also like