સગીરાને જાહેરમાં નગ્ન કરવાના બનાવમાં બે ભાઈ, બહેન અને તેના પિતાની ધરપકડ

અમદાવાદ: મહિલા દિવસે વટવા વિસ્તારમાં એક સગીરાને ખુલ્લા મેદાનમાં નગ્ન કરીને તેના ગુપ્ત ભાગમાં ઇજા પહોંચાડવાના ચકચારી બનાવમાં વટવા પોલીસે પિતા, બે પુત્ર અને એક પુત્રીની ધરપકડ કરી છે. બે યુવતીઓ સાથે થયેલી બોલાચાલી બાદ આ ઘટના ઘટી હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.

વટવા વિસ્તારમાં આવેલા ચાર માળિયા મકાનમાં રહેતી 17 વર્ષની સગીરા હીનાને કોઇ કારણોસર મહેજબીન પઠાણ નામની યુવતી સાથે ઝઘડો થયો હતો. ઝઘડાની જાણ મહેજબીનના પિતા ફિરોઝખાન જહાગીરખાન પઠાણને થતાં હીનાના પિતાને ફોન કરી બિભસ્ત ગાળો આપી હતી. જોતજોતામાં ફિરોઝ પઠાણ તેમના બે પુત્ર અશરફ અને શાહબાઝ તથા મહેજબીનને લઇને પહોંચી ગયા હતા અને હીના સાથે મારઝૂડ કરીને જાહેરમાં લાવ્યા હતા.

આક્ષેપ મુજબ પિતા પુત્રએ લોકોની સામે હીનાને જાહેરમાં લાવીને નગ્ન કરી દીધી હતી અને તેની સાથે હેવાનિયતભર્યું વર્તન કરીને શારીરિક છેડછાડ કરી હતી. આ ઘટના બાદ હીના બેભાન થઇ ગઇ હતી. આ ઘટનાથી ભયભીત થઇને હીનાનો પરિવાર ત્રણ દિવસ સુધી ઘરની બહાર નીકળ્યો નહીં. બીજી તરફ હીનાની તબીયત વધુ લથડતાં અંતે તેને સારવાર માટે વી.એસ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.

હીના સાથે બનેલી હીચકારી ઘટનામાં વટવા પોલીસે આરોપીઓ વિરુદ્ધ અટકાયતી પગલાં ભરીને છોડી મૂકતાં લોકો રોષે ભરાયા હતા. પોલસે કોઇ પણ કાર્યવાહી નહીં કરતાં ગઇ કાલે દલિત નેતા જિજ્ઞેશ મેવાણી, વકીલ શમશાદ પઠાણ તેમજ અન્ય એનજીઓ દ્વારા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવા માટે રજુઆત કરવા માટે ગયા હતા. પોલીસે ગઇ કાલે ફિરોઝખાન પઠાણ, અશરફ, શાહબાઝ અને મહેજબીન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને તેમની ધરપકડ કરી છે.
http://sambhaavnews.com/

You might also like