કિશોરીને ઉઠાવી જઈ ત્રણ યુવકોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો

અમદાવાદ: નલિયા દુષ્કર્મ કાંડના પડઘા હજુ સુધી શાંત નથી પડયા ત્યારે શહેરના નારોલ નજીકના પીપળજ ગામમાં ત્રણ યુવકોએ ૧૬ વર્ષીય માસૂમ કિશોરીનેે પીંખી નાખતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. ચાર દિવસ પહેલાં મોડી રાત્રે કિશોરીનું અપહરણ કરીને ત્રણ યુવકોએ કિશોરી પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાઇ છે.
નારોલ વિસ્તારમાં આવેલ પીપળજ ગામમાં ભાડાના મકાનમાં રહેતી કિશોરીએ પીપળજ ગામમાં રહેતા પ્રમોદ વીરેન્દ્ર દૂબે, ધર્મેન્દ્ર અને શ્રીરામ કિશોરસિંહ નામના ત્રણ યુવકો સામે સામૂહિક બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ કિશોરીના મોઢા પર રૂમાલ બાંધીને ત્રણેય યુવકોએ તેને કારમાં બેસાડીને પીપળજ ગામ રેલવે સ્ટેશન નજીક આવેલ એક મકાનમાં લઇ ગયા હતા અને તેમણે બળાત્કાર ગુજાર્યો હતો. બે દિવસ સુધી ત્રણેય યુવકોએ બળાત્કાર ગુજાર્યો હતો. ગઇ કાલે કિશોરીને રેલવે સ્ટેશને લઇ જતા હતા ત્યારે કિશોરી તેઓને થાપ આપીને નાસી છૂટી હતી અને માતા પિતા પાસે પહોંચી ગઇ હતી. કિશોરીએ માતા પિતાને સમગ્ર બનાવની જાણ કરી હતી.

વટવા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર જે. આર. ઝાલાએ જણાવ્યું હતું કે કિશોરી અને તેનાં માતા પિતા છૂટક મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. બે દિવસ પહેલાં તેનું અપહરણ કરીને ત્રણ યુવક લઇ ગયા હતા. ત્યાર બાદ કાલુપુર રેલવે સ્ટેશન લઇ ગયા હતા. આરોપીઓ કિશોરીને અન્ય રાજ્યમાં લઇ જવાની ફિરાકમાં હતા. હાલ ત્રણેય યુવક વિરુદ્ધમાં બળાત્કારની ફરિયાદ દાખલ કરી કિશોરીને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલમાં મોકલી આપી હતી.

http://sambhaavnews.com/

You might also like