દીપુઅે મારી નાખવાની ધમકી અાપી વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો

અમદાવાદ: વટવામાં મકાન માલિક દ્વારા ભાડુતને મોતને ઘાટ ઉતારી દેવાના ચકચારી કિસ્સામાં પોલીસે મકાન માલિકની ૧૧ વર્ષની પુત્રીનું નિવેદન લેતાં નવો ખુલાસો થયો છે. મૃતક ચિત્તરંજનપ્રસાદ ઉર્ફે દીપુએ મારી નાખવાની ધમકી આપી વારંવાર બળાત્કાર ગુજાર્યો હોવાનું તેમજ તેને મૃત પુત્રી જન્મી હોવાનું નિવેદન પોલીસ સમક્ષ આપ્યું છે. બીજી તરફ પોલીસે પ્રસૂતિ કે ગર્ભપાત કરનારા ડોક્ટર સામે ગુનો દાખલ કરવા જિલ્લા આરોગ્ય વિભાગને જાણ કરી છે.

મૂળ બિહારનો ચિત્તરંજનપ્રસાદ ઉર્ફે દીપુ જાનિયા પીરના ટેકરામાં ભાડાના મકાનમાં રહેતો હતો. મકાનના માલિકની ૧૧ વર્ષની પુત્રીને દીપુએ ગર્ભવતી બનાવી હતી. જેનો ભાંડો ફૂટી જતા મકાન માલિકે દીપુની હત્યા કરી તેની લાશ અને બાળકીના મૃતદેહને ઘર પાસે ૧૦ ફૂટ ઊંડો ખાડો ખોદીને દાટી દીધો હતો. ચાર માસ બાદ તેનો પર્દાફાશ થતાં પોલીસે મકાન માલિક તથા તેને હત્યામાં મદદ કરનાર ઉમેશ વિશ્વનાથની ધકપકડ કરી હતી.

પોલીસ ઈન્સ્પેકટર પી.બી. રાણા જણાવ્યા અનુસાર ભોગ બનનાર બાળકીનું નિવેદન લેવામાં આવ્યું છે. જેમાં ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. દીપુએ ડિસેમ્બર મહિનાથી ભોગ બનનાર સગીરા ઉપર બળાત્કાર ગુજાર્યો હતો અને મારી નાખવાની ધમકી પણ આપી હતી. ગર્ભવતી સગીરાને ડો. શ્રીકાંત યાદવની હોસ્પિટલે લઈ જવાઈ હતી. ડોક્ટરે તેને ઈન્જેકશન આપી અધૂરા મહિને ડિલેવરી કરાવી હતી. ભોગ બનનાર સગીરાએ બાળકી મૃત જન્મી હોવાનું જણાવ્યું છે.

સગીરાનાં નિવેદનના આધારે પોલીસે ડોક્ટર વિરુદ્ધમાં ગુનો દાખલ કરવા માટે જિલ્લા આરોગ્ય અધિકારીને પત્ર લખ્યો છે. ડોક્ટરે આ સગીરાના કેસમાં કોઈપણ નોંધણી કર્યા વિના કે કેસ પેપર્સ બનાવ્યા વિના ડિલિવરી કરાવી હોવાનું પણ સામે આવ્યું છે. બાળકીના નિવેદનના આધારે મૃતક દીપુ વિરુદ્ધમાં વટવા પોલીસે બળાત્કાર તથા ધાકધમકી આપવાનો પણ ગુનો દાખલ કર્યો છે.

You might also like