પત્ની, બાળકો સામે જ સાવકી પુત્રી પર બળાત્કાર ગુજાર્યો

અમદાવાદ, ગુરુવાર
ચાંદખેડા નજીક આવેલા ઝુંડાલ ગામમાં સાવકા પિતાએ પુત્રી પર પત્ની અને બાળકો સામે બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે અાવી છે. પત્નીએ પતિને પુત્રી પર બળાત્કાર કરવા જતાં રોકતાં તેને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અડાલજ પોલીસે આ અંગે ગુનો નોંધી અારોપી પિતાની ધરપકડ કરી છે.

ચોંકાવનારી ઘટનાની વિગત એવી છે કે મૂળ રાજસ્થાનના ડોડિયારા ગામની રહેવાસી મહિલા ઝુંડાલ ગામમાં આવેલા ઇંટના એક ભઠ્ઠા પર તેના પતિ અને બાળકો સાથે રહે છે. પ્રથમ પતિ દ્વારા બે પુત્રીઓને મહિલાએ જન્મ આપ્યો હતો, જેમાં એકની ઉંમર ૧૫ વર્ષ અને બીજા પતિ દ્વારા બે પુત્ર અને બે પુત્રીનો જન્મ થયો હતો. સોમવારે રાત્રે ૯ વાગ્યાની આસપાસ પરિવાર જમી-પરવારીને સૂઈ ગયો હતો. દરમિયાનમાં મહિલાનો પતિ ઊઠીને સૌથી મોટી ૧૫ વર્ષીય પુત્રીની બાજુમાં આવ્યો હતો.

મહિલાએ તેના પતિને પુત્રી પાસે આવવાનું કારણ પૂછતાં તેણે જણાવ્યું હતું કે હું તેની સાથે શારીરિક સંબંધ બાંધવા અાવ્યો છું. અાવું કહેતાંની સાથે મહિલાઅે તેનો વિરોધ કર્યો હતો. વિરોધ કરતાં પતિએ તેની પત્નીને માર માર્યો હતો અને તારા છોકરાને પણ જાનથી મારી નાખીશ તેવી ધમકી અાપી હતી. સાવકા પિતાઅે તેની ૧૫ વર્ષીય પુત્રીનાં કપડાં કાઢીને તેની પત્નીને જણાવ્યું હતું કે ‘તું જોતી રહેજે, હું તારા દેખતાં શારીરિક સંબંધ બાંધુ છું’ કહી પુત્રી પર જબરદસ્તી બળાત્કાર ગુજાર્યો હતો.

બળાત્કાર ગુજાર્યા બાદ પત્ની અને બાળકોને જો અા બાબતે કોઈને કહેશો તો જાનથી મારી નાખવાની ધમકી અાપી હતી. બીજા દિવસે પતિ ઘરે જ રહેતાં બીકના લીધે મહિલાએ ફરિયાદ કરી ન હતી, જોકે પતિ કામ ઉપર જતાંની સાથે જ મહિલા તેની પુત્રીને લઈ અડાલજ પોલીસ સ્ટેશને પહોંચી હતી. અડાલજ પોલીસે તાત્કાલિક આ મામલે ગુનો નોંધી અારોપી સાવકા પિતાની ધરપકડ કરી હતી.

You might also like