દિલ્હીમાં કેને‌િડયન યુવતી પર બળાત્કારઃ આરોપીની ધરપકડ

નવી દિલ્હી: દિલ્હીમાં મૂળ કેનેડાની ર૮ વર્ષીય એક યુવતી પર બળાત્કારનો મામલો સામે આવ્યો છે. યુવતીની ફરિયાદ પર હૌજખાસ પોલીસે ગુનો દાખલ કરીને આરોપી અભિષેકને ઝડપી લીધો છે. અભિષેક યમુના પારના લક્ષ્મીનગર નજીકના એક ગેસ્ટ હાઉસમાં મેનેજર છે.

બળાત્કારનો ભોગ બનેલી યુવતી તરફથી પોલીસ સમક્ષ આપવામાં આવેલા નિવેદન અનુસાર આરોપી અભિષેક તેનો પરિચિત હતો. બંનેની મુલાકાત હૌજખાસ સ્થિત એક પબમાં થઇ હતી. કેને‌િડયન મહિલા ગઇ કાલે રાત્રે પોતાના મિત્રો સાથે ત્યાં ગઇ હતી.

પોલીસના જણાવ્યા અનુસાર પબમાં કેને‌િડયન યુવતી અને અભિષેક વચ્ચે મિત્રતા થઇ ગઇ હતી. ત્યાર બાદ આરોપી તેને યમુના પાર આવેલ એક ગેસ્ટ હાઉસમાં લઇ ગયો હતો અને ત્યાં તેને કોઇ કેફી પદાર્થ ખવડાવતાં યુવતી બેભાન થઇ ગઇ હતી અને ત્યાર બાદ તેણે યુવતી સાથે બળાત્કાર કર્યો હતો.

પોલીસને આપવામાં આવેલા નિવેદન મુજબ અભિષેકના કહેવા પર કેને‌િડયન યુવતી સ્વયં તેની કારમાં ગઇ હતી. યુવતી ભાનમાં આવ્યા બાદ ખબર પડી હતી કે તેના પર બળાત્કાર થયો છે.

ત્યાર બાદ તે એઇમ્સ હોસ્પિટલ પર પહોંચી હતી અને પોલીસને કોલ કરીને ઘટનાની જાણ કરી હતી. તેણે કેને‌િડયન દૂતાવાસને પણ જાણ કરી હતી. પોલીસે ફરિયાદ નોંધીને કેસ દાખલ કર્યો હતો અને આરોપી અભિષેકની ધરપકડ કરી હતી.

You might also like