આખરે ગેંગરેપના આરોપી, સપાના નેતા ગાયત્રી પ્રજાપતિની ધરપકડ

લખનૌ: ઉત્તર પ્રદેશની પૂર્વ અખિલેશ યાદવ સરકારના પ્રધાન અને ગેંગ રેપના આરોપી ગાયત્રી પ્રજાપતિની આખરે પોલીસ અને એસટીએફ દ્વારા હાથ ધરાયેલા સંયુક્ત ઓપરેશનમાં ધરપકડ કરી લેવામાં આવી છે. ગાયત્રી પ્રજાપતિ છેલ્લા ૧૬ દિવસથી ભાગતો ફરતો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર ગાયત્રી પ્રજાપતિની આજે વહેલી સવારે આશિયાના વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આ અગાઉ મંગળવારે તેના બંને પુત્ર અનુરાગ પ્રજાપતિ અને અનિલ પ્રજાપતિને પૂછપરછ માટે પોલીસ અટકાયતમાં લેવામાં આવ્યા હતા. ગાયત્રી પ્રજાપતિની ધરપકડ કર્યા બાદ તેને આલમબાદ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો છે. બળાત્કરના એક કેસમાં સુપ્રીમ કોર્ટે તેની વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવા આદેશ કર્યો હતો, પરંતુ ૨૭ ફેબ્રુઆરીથી તે ફરાર હતો. પોલીસ તેની શોધખોળ કરી રહી હતી, પરંતુ તે ભાગતો ફરતો હતો.

મંગળવારે વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ ખાતરી આપી હતી કે ગાયત્રી પ્રજાપતિની ૨૪ કલાકમાં ધરપકડ કરી દેવામાં આવશે. ગાયત્રી પ્રજાપતિની ધરપકડ કરવા માટે પોલીસે પોતાની છ ટીમ બનાવી હતી. ઉત્તર પ્રદેશ પોલીસના ડીઆઈજી જાવિદ અહેમદે જણાવ્યું હતું કે પ્રજાપતિ સતત પોતાનાં ઠેકાણાં બદલી રહ્યો હતો. પોલીસને એવી બાતમી મળી હતી કે તે હરિયાણા-દિલ્હી સરહદની આસપાસ છુપાયેલો છે.

ગાયત્રી પ્રજાપતિ પર એક મહિલા પર સામૂહિક બળાત્કાર અને તેની પુત્રી સાથે સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો આરોપ હતો. ગાયત્રી પ્રજાપતિના બે પુત્ર અનુરાગ અને અનિલને કસ્ટડીમાં લીધા બાદ તેમની પણ સઘન પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર તેમણે આરોપીઓને શરણું આપ્યું હતું. ગાયત્રી પ્રજાપતિના ગનર ચંદ્રપાલ, લેખપાલ, અશોક તિવારી અને આશિષ શુકલાની ધરપકડ કરવામાં આવી હતી.
http://sambhaavnews.com/

You might also like