રાજકોટમાં ફેસબુકનાં માધ્યમથી તરૂણી સાથે મિત્રતા કેળવી આચર્યું સામુહિક દુષ્કર્મ

રાજકોટ : રાજકોટ ધીરે ધીરે ક્રાઇમ કેપિટલ બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. હત્યાઓ બાદ હવે બળાત્કારનં કિસ્સાઓમાં પણ ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. 9માં ધોરણમાં અભ્યાસ કરતી 14 વર્ષની એક સગીરા પર દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો છે. ફેસબુક પર ફ્રેન્ડ બનાવ્યા બાદ એક સગીર સહિત ચાર શખ્સોએ સગીરા પર સતત અઢી મહિના સુધી દુષ્કર્મ આચર્યાનો કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે હાલ તમામ આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

જો કે આ કિસ્સો સમાજ માટે અને ખાસ કરીને ટીનેજર બાળકોને ઉઘાડી છુટ આપતા વાલીઓ સામે લાલબત્તી સમાન છે. સોશ્યલ મીડિયાનાં જેટલા ફાયદા છે તેટલા ગેરફાયદા પણ છે. શહેરનાં સામાકાંઠા વિસ્તારમાં રહેતી અને ધોરણ 9માં અભ્યાસ કરતી તરૂણીને ઉતમ પટેલ નામનાં વ્યક્તિએ ફેસબુક પર ફ્રેંડ રિકવેસ્ટ મોકલી હતી. ત્યાર બાદ ચેટિંગ દ્વારા બંન્ને નજીક આવ્યા હતા. જેથી ઉતમે તરૂણીને વિશ્વાસમાં લઇને પોતાનાં ઘરે મળવા માટે બોલાવી હતી.

તરૂણી જ્યારે ઉતમનાં ઘરે પહોંચી ત્યારે તેનાં ઘરે કોઇ હાજર નહોતુ. જેનાં કારણે તેણે તરૂણીને પોતાની હવસનો શિકાર બનાવી હતી. જો કે આટલે વાત અટકી નહોતી. આરોપીએ તે તરૂણીની અંતરંગ પળોની તસ્વીરો પાડી લીધી હતી. તેનાં દ્વારા તેને બ્લેકમેઇલ કરવાનું ચાલુ કર્યું હતું. જેમ જેમ સમય જતો ગયો તેમ આરોપીની હિંમત પણ ઉઘડવા લાગી હતી. ત્યાર બાદ તેણે પોતાનાં મિત્રોને પણ આ હિન કૃત્યમાં સંમેલીત કરવાનું ચાલુ કર્યું હતું. જેમાં કરણ ચાવડા, અમીર જુણેજા અને એક અન્ય ટીનેજરનો સમાવેશ થાય છે. તમામે મળીને આ તરૂણી પર સામુહિક દુષ્કર્મ આચર્યું હતું.

જો કે અંતે કંટાળેલી યુવતીએ પોતાનાં પરિવારમાં ઘટના અંગેની જાણ કરી હતી. જેનાં પગલે પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તુરંત કાર્યવાહી કરતા ફરિયાદની ગણત્રીની કલાકોમાં જ આરોપીઓની ઝડપી લીધા હતા.

You might also like