રણવીરનો ખુલાસો, ‘નહીં કરે દીપિકા પાદુકોણ સાથે લગ્ન’

છેલ્લા કેટલાય સમયથી રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્નની ચર્ચા પૂરજોશમાં ચાલી રહી છે. હવે રણવીરે પોતાના લગ્નની ચર્ચાને અફવાહ ગણાવતા આ અંગે નિવેદન આપ્યું છે, સાથે જ જણાવ્યું કે, ”તેઓ આ કારણથી દીપિકા સાથે આ વર્ષે લગ્ન નહી કરે.”

 એક ઇન્ટરવ્યૂ દરમિયાન રણવીરે ખુલાસો કર્યો કે, ”આ વર્ષે હું દીપિકા સાથે લગ્ન નહીં કરું. જ્યાં સુધી હું સત્તાવાર રીતે જાહેરાત ન કરું ત્યાં સુધી આ બધી જ વાતો અફવા છે. હું જ્યોતિષ નથી કે કહી શકું કે અમારા લગ્ન ક્યારે થશે. અત્યારે અમે બંને અમારા કામમાં ખૂબ વ્યસ્ત છીએ. ઉપરાંત દીપિકા બેક પેનની તકલીફમાંથી ધીમે ધીમે બહાર આવી રહી છે. જો ભવિષ્યમાં મારા લગ્નની કંઈ પણ વાત હશે તો તમે મને ધાબા પરથી બૂમો પાડતો જોઈ શકશો.”

રણવીરે પોતાના નિવેદનથી એ તો સ્પષ્ટ કરી દીધું કે હાલ તો તે દીપિકા સાથે લગ્ન નથી કરી રહ્યા. જો કે રણવીરે દીપિકા સાથે લગ્ન માટે ઈનકાર પણ નથી કર્યો. એવામાં ફેન્સે બોલિવુડના પાવર કપલના લગ્ન માટે થોડી વધુ રાહ જોવી પડશે.

હાલમાં જ દીપિકાએ એક ઈંટરવ્યૂમાં કહ્યું હતું કે, ”લગ્ન જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે જેને ટાળી ન શકાય. હવે હું પોતાને મા અને પત્ની તરીકે જોવા માંગું છું.” દીપિકાના આ નિવેદન બાદ જ બંનેની લગ્નની ચર્ચાઓએ જોર પકડ્યું હતું. બંને આ વર્ષે હિંદુ વિધિથી જ લગ્ન કરશે અને બંનેના પરિવારોએ લગ્નની તારીખ નક્કી કરી લીધી છે તેવા સમાચારો પણ આવ્યા હતા.

You might also like