ખંડણી ન આપનાર ઉદ્યોગપતિની ક્રૂર હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવતાં સનસનાટી

અમદાવાદ: મોરબીમાં સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા એક ઉદ્યોગપતિનું વનાળિયા ફાટક પાસેથી અજાણ્યા શખસોએ અપહરણ કરી રૂ.૩ કરોડની ખંડણીની માગણી કરી હતી. દરમ્યાનમાં આજે સવારે મોરબી મચ્છુ નદી પાસે આવેલ આરટીઓ પાસેથી આ ઉદ્યોગપતિની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવતાં સનસનાટી મચી ગઇ છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે અા અંગેની વિગત એવી છે કે સિરા‌િમકના વ્યવસાય સાથે સંકળાયેલા ચંદ્રકાંત જેઠલોજા નામના ઉદ્યોગપતિ પીપળિયા ગામથી મોરબી તરફ પોતાની કારમાં અાવી રહ્યા હતા ત્યારે અજાણ્યા શખસોએ વનાળિયા ફાટક પાસે કાર રોકી તેમનું અપહરણ કરી ફોન પર તેમના પિતા પાસે રૂ. ત્રણ કરોડની ખંડણીની માગણી કરી હતી. અા અંગે તેમના પિતાએ પોલીસને જાણ કરતાં પોલીસ અધિકારીઓએ ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી.
દરમિયાનમાં ઉદ્યોગપતિની કાર અને મોબાઈલ ફોન ઓફિસ પાસેથી જ મળી અાવ્યાં હતાં.

અપહરણકારોએ ચંદ્રકાંતભાઈના મોબાઈલ ફોન ઉપરથી જ તેમના પિતા પાસે રૂ. ત્રણ કરોડની ખંડણીની માગણી કરી હતી, પરંતુ ખંડણી અાપવાની ના પાડતાં ચંદ્રકાંતભાઈનું અપહરણ કરવામાં અાવ્યું હતું. કારની તલાશી લેતાં ડ્રાઈવરસીટ પાસે લોહીનાં નિશાન જોવા મળ્યાં હતાં. પોલીસે ચોતરફ નાકાબંધી કરી સઘન વાહનચેકિંગ શરૂ કર્યું હતું. દરમ્યાનમાં આજે સવારે મચ્છુ નદી નજીક આરટીઓ પાસેથી આ ઉદ્યોગપતિની લાશ મળી આવી હતી. પોલીસે ગુનેગારોને પકડવા સઘન કાર્યવાહી શરૂ કરી છે.
http://sambhaavnews.com/

You might also like