ગુજરાત 66 વર્ષ બાદ રણજી ટ્રોફીની ફાઈનલમાં, સેમીફાઇનલમાં ઝારખંડને આપ્યો પરાજય

નાગપુર: રણજી ટ્રોફીની બીજી સેમિ ફાઇનલ મેચમાં ગુજરાતે ઝારખંડને 123 રને હરાવ્યું છે. આ સાથે ગુજરાતની ટીમ 66 વર્ષ પછી રણજી ટ્રોફીની ફાઇનલમાં પ્રવેશ્યું છે. ગુજરાત તરફથી જસપ્રિત બુમરાહે જોરદાર પ્રદર્શન કરતા 6 વિકેટ ઝડપી હતી. જ્યારે કે આર. પી. સિંહે 3 વિકેટ ઝડપી હતી. આ પહેલા ગુજરાત 1950-51માં રણજી ટ્રોફીની ફાઇનલમાં પહોચ્યું હતું. પરંતુ ફાઇનલમાં પરાજય થયો હતો.

ગુજરાત તરફથી જસપ્રિત બુમરાહે બીજી ઇનિંગમાં તરખાટ મચાવતા ઝારખંડને 123 રને હરાવી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. ગુજરાતે બીજી સેમિ ફાઇનલમાં પ્રથમ ઇનિંગમાં પ્રિયાંક પંચાલના 149 રનની મદદથી 390 રન બનાવ્યા હતા.

જવાબમાં ઝારખંડની ટીમે વળતો પ્રહાર કરતા ઇશાક જગ્ગીના આક્રમક 129 રનની મદદથી 408 રન બનાવ્યા હતા અને 18 રનની લીડ મેળવી હતી. ગુજરાતની ટીમ બીજી ઇનિંગમાં 252 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. ઝારખંડને જીતવા 234 રનનો પડકાર મળ્યો હતો.

ગુજરાત તરફથી જસપ્રિત બુમરાહે 6 તેમજ આરપી સિંહે 3 વિકેટ ઝડપતા ઝારખંડ માત્ર 111 રનમાં ઓલ આઉટ થઇ ગયુ હતું. હવે ગુજરાતનો મુકાબલો રાજકોટમાં રમાઇ રહેલ તમિલનાડુ તેમજ મુંબઇની વિજેતા ટીમ સામે થશે.

રણજી ટ્રોફીનો ફાઇનલ મુકાબલો ઇન્દોરમાં 10 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી દરમિયાન રમાશે. બરોડા 2001, 2002 અને 2011માં રણજી ટ્રોફીની ફાઇનલમાં પહોચ્યુ હતું જ્યારે સૌરાષ્ટ્ર 2013 અને 2016માં ફાઇનલમાં પહોચ્યુ હતું.

You might also like