દારૂ-જુગાર-ગંદકીની બદીથી ખદબદતી રાણીપ પોલીસ લાઈન

અમદાવાદ: શહેરમાં ચાલતી દારૂ-જુગારની પ્રવૃત્તિઓને ડામી દેવા માટે પોલીસ કમિશનર એ.કે. સિંઘે કડક સૂચના આપી છે. દારૂ અને જુગારના મહત્તમ કેસ કરવા જણાવ્યું છે, પરંતુ શહેરની પોલીસ લાઇનમાં જ દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ ચાલી રહી છે. રાણીપ પોલીસ લાઇનમાં ખુલ્લેઆમ દારૂ પીવામાં આવે છે તેમજ જુગાર રમવામાં આવે છે. નવી પોલીસ લાઇનમાં પણ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ઠેર ઠેર ગંદકીઓના ઢગલા થયેલા છે.

દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છ ભારતનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત જાહેર સ્થળો, સરકારી કચેરીઓ, સરકારી આવાસો વગેરેમાં સાફસફાઇ રાખવાની વાત કરવામાં આવી છે. પરંતુ શહેરની પોલીસ લાઇનો જ ગંદકીથી ખદબદી રહી છે. રાણીપ પોલીસ લાઇનમાં નવા બ્લોક બનાવવામાં આવ્યા છે. નવી પોલીસ લાઇનની પાછળ ગંદકીના ઢેર જોવા મળે છે. ઉપરાંત જૂની પોલીસ લાઇનમાં પણ કચરાના ઢગલા થઇ ગયા છે.

પોલીસ લાઇનમાં રહેતા પોલીસ પરિવારો પોતાને નવાં મકાન ફાળવવામાં નથી આવતાં તેવી ફરિયાદો કરે છે, પરંતુ તેમના ઘરની આસપાસ જ ગંદકી રાખે છે. માત્ર ગંદકી જ નહીં, પોલીસ લાઇનમાં આવેલા કંડમ જાહેર કરાયેલ તેમજ જૂના બિલ્ડિંગમાં ખુલ્લેઆમ દારૂ પીવામાં આવે છે. કેટલાક પોલીસકર્મીઓ તેમજ તેમના પરિવારના કેટલાક લોકો આવી દારૂની મહેફિલો યોજતા હોય છે.
‘સમભાવ મેટ્રો’ના પ્રતિનિધિ દ્વારા રાણીપ પોલીસ લાઇનની તપાસ કરાતાં ઠેર ઠેર દેશી દારૂની થેલીઓ તેમજ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસ લાઇનમાં આવેલા મંદિર સામેનાં જૂનાં મકાનોની અંદર બે કુંડાળાં કરી દશેક જેટલા લોકો જુગાર રમી રહ્યા હતા. ખંડેર જેવાં મકાનોની આડમાં ખુલ્લેઆમ જુગારની પ્રવૃત્તિઓ દિવસ દરમિયાન ચાલી રહી હતી. પોલીસ લાઇનની અંદર જ પોલીસકર્મીઓ અથવા તેમનાં કેટલાંક પરિવારજનો આ જુગાર રમી રહ્યાં હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

રાણીપ પોલીસ લાઇનની હાલત ખૂબ જ ખરાબ જણાઇ રહી છે તેનો ફાયદો ઉઠાવી દારૂ-જુગારની પ્રવૃત્તિઓ અહીંયાં ચલાવવામાં આવી રહી છે. દારૂ-જુગારની પ્રવૃત્તિઓ ચાલતી હોવાની પોલીસને પણ જાણ છે, પરંતુ પોલીસ પોતાની જ છાપ ખરાબ ન પડે તે માટે કોઇ કાર્યવાહી કરતી નથી. દર મહિને પોલીસ ઇન્સ્પેક્ટરને પોલીસ લાઇનની મુલાકાત લેવાની હોય છે, પરંતુ રાણીપ પીઆઇ દ્વારા આ પોલીસ લાઇનની મુલાકાત લેવામાં જ નથી આવતી તેવું જણાઇ રહ્યું છે.

નવી પોલીસ લાઇનની પાછળ આવેલી ગટર ઊભરાતાં સમગ્ર જગ્યામાં ગંદકી ફેલાઇ ગઇ છે આટલું જ નહીં, નવી પોલીસ લાઇનનું ઉદ્ઘાટન પણ નથી કરવામાં આવ્યું, છતાં પણ પોલીસ લાઇનમાં એક પોલીસ પરિવાર રહેવા પણ આવી ગયો છે. આ અંગે વહીવટી વિભાગના જોઇન્ટ કમિશનર ઓફ પોલીસ આર.જે. સવાણીએ જણાવ્યું હતું કે હજુ સુધી મકાન કોઇને ફાળવ્યાં નથી અને કોઇ રહેવા આવી ગયું હોય તો તે ગેરકાયદે રહે છે. આ અંગે તપાસ કરવામાં આવશે અને પોલીસ લાઇનમાં થયેલી ગંદકી સાફ કરવા અંગે પણ તપાસ કરવામાં આવશે.

પોલીસ લાઇનમાં ચાલતી દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ બાબતે રાણીપ પોલીસ સ્ટેશનના પીઆઇ વી. બી. પટેલે જણાવ્યું હતું કે જૂનાં મકાનોમાં દારૂ-જુગારની પ્રવૃત્તિઓ ચાલે છે તે અંગે કેસ કરેલા છે. આ બાબતે તપાસ કરીશું.
http://sambhaavnews.com/

You might also like