રાણીપના નવા પોલીસ સ્ટેશનનું શુભ મુહૂર્ત ક્યારે?

અમદાવાદ: શહેરમાં હાલમાં ૪૫ પોલીસ સ્ટેશનો અને ૧૪ ટ્રાફિક પોલીસ સ્ટેશનો કાર્યરત છે, પરંતુ મોટાભાગનાં પોલીસ સ્ટેશન ભાડાના મકાનમાં અથવા એક જ પોલીસ સ્ટેશનમાં બે પોલીસ સ્ટેશનો ચલાવાય છે.

ઉતાવળે પોલીસ સ્ટેશનો શરૂ તો કરી દેવાય છે, પરંતુ જે પોલીસ સ્ટેશનો બનેલાં છે તેને પણ શરૂ કરવામાં પોલીસ અધિકારીઓ ધ્યાન નથી આપતા. જે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ રૂમ બહાર છે તેમજ પોલીસકર્મીઓને બહાર બેસવું પડે છે તેવાં રાણીપ પોલીસ સ્ટેશનનું નવું બિલ્ડિંગ રાણીપ ગામમાં બસ સ્ટેન્ડ નજીક તૈયાર થઈ ગયું છે. છતાં પણ છેલ્લાં બે મહિનાથી ફર્નિચરની સુવિધા, પાણી તેમજ વીજળી જેવી પ્રાથમિક સુવિધાઓ ન હોવાને કારણે ચાલુ નથી કરાયું અને ટ્રાફિક તેમજ રાણીપ પોલીસ સ્ટેશનનાં અધિકારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. લાખો રૂપિયાનાં ખર્ચે રાણીપ બસ સ્ટેન્ડ નજીક રાણીપ પોલીસ સ્ટેન્ડનું બિલ્ડિંગ છેલ્લાં ત્રણે મહિનાથી બનીને તૈયાર થઈ ગયું છે, પરંતુ વીજળી અને પાણી જેવી કેટલીક પ્રાથમિક સુવિધાઓ નાખવામાં આવી નથી.તેમજ ફર્નિચરનું કામ પણ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહ્યું છે પરંતુ તેને પૂરું કરવામાં અાવી રહ્યું નથી. જેના કારણે પોલીસ સ્ટેશન શરૂ કરવામાં વિલંબ થઈ રહ્યો છે.

આધારભૂત સૂત્રોનાં જણાવ્યા છેલ્લા ત્રણ મહિનાથી પોલીસ અધિકારીઓનાં ધ્યાને આ બાબત હોવા છતાં અધિકારીઓ આંખ આડા કાન કરે છે. અધિકારીઓને બિલ્ડિંગ શરૂ કરવામાં રસ નથી કે પછી ઉદ્ઘાટન કરવા માટે કોઈ મંત્રી અથવા નેતાઅોનો સમય મળતો નથી. જેના કારણે તેઓ આ સુવિધાઓ ન હોવાનું તેમજ સુવિધાઓ પૂરી ન કરવાનું બહાનું કરી પોલીસ સ્ટેશન શરૂ કરતાં નથી.

ટ્રાફિક પી.આઈ. સહિત પોલીસકર્મીઅો બહાર બેસે છે
રાણીપ પોલીસ સ્ટેશન પહેલાંથી જ એકદમ નાનું પોલીસ સ્ટેશન છે જેમાં ટ્રાફિક પીઆઈને બેસવાની જગ્યા તો ઠીક પોલીસ સ્ટેશનનાં સ્ટાફને પણ બેસવાની જગ્યા નથી. એવામાં ટ્રાફિક પોલીસ સ્ટેશન પણ શરૂ કરાતાં તેના પીઆઈ સહિત કર્મીઓને બહાર બેસવું પડે છે. આટલી તકલીફો હોવા છતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ બિલ્ડિંગને તાતકાલિક શરૂ કરી સમસ્યાનો ઉકેલ લાવવામાં ઉદાસીન જણાય છે.

પોલીસ સ્ટેશનમાં ફર્નિચરનું કામકાજ ચાલુ છે

શહેર પોલીસ અેડમિનિસ્ટ્રેશન વિભાગના જેસીપી અાર જે સવાણીઅે જણાવ્યું હતું કે નવા બનાવાયેલા પોલીસ સ્ટેશનમાં ફર્નિચરનું કામકાજ ચાલી રહ્યું છે. ૧૦થી ૧૫ દિવસમાં અા કામકાજ પૂર્ણ થઈ જશે અને ત્યારબાદ રાણીપ પોલીસ સ્ટેશન નવા બિલ્ડિંગમાં કાર્યરત કરી દેવામાં અાવશે.

You might also like