૨૬ કરોડના ખર્ચે નવનિર્મિત રાણીપ બસ ટર્મિનલનું મુખ્યમંત્રીએ કર્યું ઉદઘાટન

અમદાવાદ:

મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે રાજ્યમાં મુસાફરોના સુરક્ષિત યાતાયાત માટે જરૂરિયાત મુજબ મીની બસ સેવા શરૂ કરવાની નેમ વ્યક્ત કરી છે. મુખ્યમંત્રી ગુજરાત રાજ્યમાર્ગ વાહનવ્યવહાર નિગમનાં રાણીપ બસ ટર્મિનલનાં લોકાર્પણ અવસરે સંબોધન કર્યું હતું.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમનું આ નવનિર્મિત રાણીપ બસ ટર્મિનલ ૧૨,૨૦૦ ચો.મી. વિસ્તારમાં અદ્યતન સુવિધાઓ-પેસેન્જર એમિનિટિઝ સાથે રૂ.૨૬ કરોડનાં ખર્ચે આકાર પામ્યું છે.

મુખ્ય મંત્રી આનંદીબહેન પટેલે આ નવા બસ ટર્મિનલનું પ્રજાર્પણ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ સાથે વિશાળ નાગરિક સમૂદાયનાં હર્ષોલ્લાસ વચ્ચે કર્યું હતું.

આનંદીબહેન પટેલે રાજ્યનાં સર્વાંગી-ગતિશીલ વિકાસ માટે થાગડ-થિગડ, ટુકડે-ટુકડે કામોનાં સ્થાને નક્કર પરિણામલક્ષી-સર્વગ્રાહી વિકાસ આયોજનો પાછલા દોઢ દાયકામાં થયા છે તેમ વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે માર્ગ પરિવહન, પાણી, આરોગ્ય, ખેતી, શિક્ષણ સહિતની તમામ માળખાકીય સુવિધાઓમાં સમાજનાં દરેક વર્ગને કેન્દ્રમાં રાખી પારદર્શી સેવાઓ પૂરી પાડી છે.

આનંદીબહેન પટેલે ગુજરાતમાં માર્ગ વાહન વ્યવહારનાં માળખાની જેમ જ પાણી વિતરણ અને પીવાનું પાણી પૂરતી માત્રામાં પહોચાડવા વિશ્વની અજાયબી સમાન સવા લાખ કિલોમીટર લાંબી વોટરગ્રીડની જાળ સફળતાથી કાર્યરત કરી છે,તેની છણાવટ કરી હતી.

તેમણે નર્મદા યોજના પૂર્ણ થવામાં અને બંધની ઊંચાઈ વધારવાની મંજૂરી આપવામાં તત્કાલિન યુ.પી.એ. સરકારની અન્યાય પરંપરા સામે તે વખતના મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અવાજ ઉઠાવીને ઉપવાસનું શસ્ત્ર ઉગામવું પડ્યું હતું તેની યાદ અપાવી હતી.

તેમણે રાજ્યનાં નાગરિકોની આરોગ્ય સુખાકારી માટેનાં અભિયાનો, બહેનો માટે બ્રેસ્ટ સર્વાઈકલ કેન્સર નિદાન-સારવાર પરિક્ષણ તથા ડાયાબિટીસ સ્ક્રિનીંગનો લાભ સમાજનાં સૌ કોઈ લે અને સ્વસ્થ આરોગ્યપ્રદ જીવન જીવે તેવી હાર્દભરી અપીલ કરી હતી.

મુખ્ય મંત્રી આનંદીબેન પટેલે ખેડૂતોનાં પાક વીમા માત્ર ટોકન દરે વ્યાજ સહાય જેવી જનક્લ્યાણ યોજનાઓનો લાભ પ્રત્યેક નાગરિકોને પહોચાડવા સંવાહક બનવા પ્રેરણા આપી હતી.

You might also like