રાણીપ વિસ્તારમાં ૨૦ મિનિટમાં જ બે મહિલાના ગળામાંથી ચેઇન સ્નેચિંગ

અમદાવાદ: શહેરમાં ફરી એકવાર ચેઈન સ્નેચરોએ તરખાટ મચાવ્યો છે. રાણીપ વિસ્તારમાં ધોળા દિવસે માત્ર વીસ મિનિટમાં જ બે મહિલાના ગળામાંથી સોનાના દોરાની લૂંટ કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. રાણીપ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

રાણીપના રાધાસ્વામી રોડ પર આવેલી ઉમંગપાર્ક સોસાયટીમાં સ્મિતાબહેન સહાય (ઉ.વ.58) તેમના પરિવાર સાથે રહે છે. સ્મિતાબહેન સુભાષબ્રિજ ખાતે એલઆઇસી ઓફિસમાં આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટિવ તરીકે ફરજ બજાવે છે. ગઈ કાલે બપોરે તેઓ રાધાસ્વામી રોડ પર શિવકુંજ સોસાયટીમાં રેહતા તેમના પુત્ર તુષારને ટિફિન આપી અને ચાલતાં ત્યાંથી પસાર થતા હતા ત્યારે સામેથી રોંગ સાઈડમાં એક બાઈક પર બે શખ્સ આવ્યા હતા. બાઇકચાલકે તેમની નજીક બાઈક ધીમું કરી પાછળ બેઠેલા શખ્સે સ્મિતાબહેનના ગાળામાં રહેલો સોનાનો દોરો રૂ.30000નો તોડી અને સર્વેશ્વર મંદિર તરફ ફરાર થઇ ગયા હતા. ચેઇનની લૂંટ થતાં તેઓએ બુમાબુમ કરી હતી જેથી લોકો ભેગા થઇ ગયા હતા.

સ્મિતાબહેન રાણીપ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવતા હતા ત્યાં રાણીપના સુંદરવન ફ્લેટ પાસે આવેલી નારાયણ રેસિડેન્સીમાં રહેતાં જ્યોતિબહેન દરજી બલોલનગર ચાર રસ્તા પાસે દેવ હોમ નજીક ચાલતાં પસાર થઇ રહ્યાં હતાં ત્યારે બાઈક પર આવેલા બે શખ્સ તેમની સોનાની ચેઇન કિંમત રૂ.30000ની તોડી નાસી ગયા હતા. બંને ચેઇન સ્નેચિંગના બનાવમાં એક જ આરોપીઓ હોવાનું ફરિયાદીએ જણાવ્યું હતું. રાણીપ પોલીસે આ અંગે ગુનો નોંધી બંને જગ્યાની આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

You might also like