રંગના હેરાથ ત્રીજી ટેસ્ટમાંથી બહારઃ જેફ્રી વાન્ડર્સે ટીમમાં સામેલ

નવી દિલ્હીઃ શ્રીલંકાનો અનુભવી ઓફ સ્પિનર રંગના હેરાથ પીઠના દર્દને કારણે ભારત સામે ત્રીજી અને અંતિમ ટેસ્ટમાં નહીં રમી શકે. હેરાથના સ્થાને લેગ સ્પિનર જેફ્રી વાન્ડર્સેને શ્રીલંકાની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

શ્રીલંકાને નાગપુર ખાતે રમાયેલી બીજી ટેસ્ટમાં ઇનિંગ્સ અને ૨૩૯ રને હારનો સામનો કરવો પડ્યો હતો અને તે ત્રણ મેચની શ્રેણીમાં ૦-૧થી પાછળ છે. ત્રીજી ટેસ્ટ મેચ તા. ૨ ડિસેમ્બરથી દિલ્હીમાં રમાવાની છે. હેરાથના સ્થાને શ્રીલંકાની પહેલી પસંદ ડાબોડી સ્પિનર મલિન્દા પુષ્પકુમાર હતો, પરંતુ અા ૩૦ વર્ષીય બોલર ફિટનેસ ટેસ્ટમાં નિષ્ફળ રહ્યો હતો. ટીમની બહાર હોવાને કારણે ૩૯વર્ષીય હેરાથ આવતી કાલે ગુરુવારે સ્વદેશ પાછો ફરશે. હેરાથ ગત મહિને ટેસ્ટ ક્રિકેટમાં ૪૦૦ વિકેટ ઝડપનારો પહેલો ડાબોડી સ્પિનર બન્યો હતો, પરંતુ વર્તમાન ભારત પ્રવાસમાં તે પોતાનો પ્રભાવ છોડવામાં નિષ્ફળ રહ્યો છે.

You might also like