રંગ અવધૂત મહારાજ જયંતી

728_90

પાંડુરંગ વળામે એ જ રંગ અવધૂત મહારાજ. એ જ નારેશ્વરના સંત. તા. ૨૧ નવેમ્બર ૧૮૯૮ના રોજ તેમનો જન્મ થયો હતો. તેમના પિતાનું નામ વિઠ્ઠલદાસ તથા માતાનું નામ રુકિમણી. આજથી લગભગ ૧૧૮ વર્ષ પહેલાં ગોધરામાં તેમનો જન્મ થયો હતો. પાંડુરંગનાં માતા પિતા તેમનાં નામ મુજબ ખૂબ ઋજુ હૃદય ધરાવતાં હતાં. પાંડુરંગના બાળપણથી જ પ્રભુ નામમાં ઊંડો રસ. તેમને ભગવાન ઉપર ખૂબ પ્રેમ. તેમના પિતા તેમના ગુરુ બન્યા. તેમણે તેમને રામ નામનો મંત્ર આપ્યો. રામ શબ્દ સાંભળતાં જ તેઓ હર્ષવિભોર બની જતા.
એક વખતની વાત છે. તેમના મામાએ તેમને ગુરુ ચરિત્રની એક પોથી આપી. આ પોથી શિરડીના સાંઈ બાબાએ તેમના મામાને દૈનિક પાઠ માટે આપી હતી.
આ ઘટના પછી પાંડુરંગને સમજાયું કે કોઈ દૈવીશક્તિ મારા જીવનનું ઘડતર કરી રહી છે. માએ તેમના યજ્ઞોપવીત વખતે શ્રી વાસુદેવાનંદ સરસ્વતી મહારાજને નમન તથા નમસ્કાર કરવાનું કહ્યું. પાંડુરંગે તો દોટ મૂકી. માથું સીધું જ વાસુદેવાનંદ સરસ્વતી મહારાજના ખોળામાં મૂકી દીધું.
આ ઘટના બન્યા પછી તેમણે વર્ષો પછી બધાને કહ્યું કે, “તમને બધાને મારું માથું ધડ ઉપર દેખાય છે, પણ મેં તો મારા ગુરુ મહારાજના ખોળામાં તે િદવસાનું મારું માથું મૂકેલું છે.
તે હજુ ત્યાંનું ત્યાં જ છે. આવી હતી તેમની ગુરુ વાસુદેવાનંદ સરસ્વતી મહારાજ ઉપરની શ્રદ્ધા.
વાસુદેવાનંદ સરસ્વતી ગુરુ દત્તાત્રેયના અંશાવતાર કહેવાય. પૂ.શ્રી વાસુદેવાનંદજીના દેહવિલય બાદ ગુજરાતમાં તદ્દાપાસના ખૂબ વધવા માંડી છે.
મહર્ષિ અરવિંદ, યોગી શ્રીકૃષ્ણ પ્રેમ, સ્વામી રામતીર્થ, સાધુ વાસવાણી પૂજ્ય શ્રી મોટા, જ્ઞાનયોગી ચંદુભાઈ, દાસાનુદાસ, શ્રી રામકૃષ્ણ કથામૃતના માસ્ટર મહાશય આ બધાની જેમ પાંડુરંગ, શ્રી રંગ અવધૂત મહારાજ પણ પૂર્વાવસ્થામાં શિક્ષક તરીકે કાર્ય કરતા હતા. શ્રી રંગ અવધૂત મહારાજની ઉપલબ્ધિ તથા ઉપાસનાનું સ્થળ નારેશ્વર હતું. ઉપાસના દરમિયાન તેઓ શરીરનું તમામ કષ્ટ સહન કરતા.
એક વખત સાવ સહજ ભાવે તેમણે કહ્યું હતું કે, ”સુખ શૈયામાં સૂતાં સૂતાં આખો વખત શરીરનો જ વિચાર કરનાર માટે આધ્યાત્મ નથી. શરીર સાધન ખરું. પણ અંતિમ ધર્મસાધન તો શરીર ભાવનું વિસ્મરણ છે.”
શ્રી રંગ અવધૂત મહારાજને એક વખત શારદાપીઠના ઉત્તરાધિકારી બનવાનું આમંત્રણ મળ્યું હતું, પરંતુ તેનો અસ્વીકાર કરતાં તેમણે કહ્યું હતું કે, આપની શારદાપીઠની કિંમત અવધૂતની પાસે ચપટી પીઠ (ચણાનો લોટ) બરાબર છે. મેં તો જીવનમુક્ત થવા સિવાય બીજો કોઈ જ સંકલ્પ સેવ્યો નથી. આપ સાહેબ મને આ વખતે માફ કરો.”
શ્રી રંગ અવધૂત મહારાજે ૧૦૮ દિવસમાં ૩૨૦૦ કિલોમીટર પગપાળા ચાલી રેવાજી અર્થાત નર્મદામૈયાની પરિક્રમા પૂરી કરી હતી.
ત્યાર બાદ તેઓએ શ્રી ગુરુમૂર્તિ ચરિત્ર, દત્ત નામસ્મરણ, અવવધૂતી આનંદી, રંગહૃદયમ્, પત્ર મંજુષા તથા શ્રી ગુરુ લીલામૃત જેવા ગ્રંથ રચીને આધ્યાત્મિક સાહિત્યનું સર્જન કર્યું.
તેઓને દત્ત બાવની ખૂબ પ્રિય હતી. તેઓ દત્ત બાવની ખૂબ ગાતા હતા. દત્ત બાવની તો વિધ્ન શાંતિ માટે અવધૂતિ એટમ બોમ્બ તરીકે ઓળખાઈ છે.
દત્ત બાવનીની બે લીટી ખૂબ જ ખ્યાતિ પામી છે.
બાવન ગુરુવારે નિતનેમ
કરે પાઠ બાવન સપ્રેમ
યથાવકારો વિત્ય નિયમ
તેને કદી ન દંડે યમ

You might also like
728_90