રણબીર કપૂરની રાહ જુએ છે ‘બિગડે નવાબ’

રણબીર કપૂર હાલમાં અયાન મુખરજીના ડિરેક્શનમાં બની રહેલી ફિલ્મ ‘ડ્રેગન’ની ટ્રેનિંગમાં વ્યસ્ત છે, સાથેસાથે તે ‘જગ્ગા જાસૂસ’નું શૂટિંગ પણ કરી રહ્યો છે. આ બંને ફિલ્મને પૂરી કર્યા બાદ બોલિવૂડ અભિનેતા સંજય દત્તની બાયોપિક પર બનનારી ફિલ્મમાં કામ કરશે. રણબીરનું શૂટિંગ ‌શેડ્યૂલ સંપૂર્ણ રીતે વ્યસ્ત છે. આ બંને પ્રોજેક્ટને પૂરા કર્યા બાદ રણબીર ક્યાં સુધી ફ્રી થશે તે અંગે કંઇ કહી શકાય તેમ નથી. હવે આ બધું કામ પતાવ્યા બાદ ડિરેક્ટર સંજય ગુપ્તા રણબીર કપૂર સાથે કામ કરવાની રાહ જોઇ રહ્યા છે. સંજયે એક ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર કરી છે, જેનું નામ ‘બિગડે નવાબ’ છે. પોતાની આ ફિલ્મમાં સંજય માત્ર અને માત્ર રણબીર કપૂરને લેવા ઇચ્છે છે.

સંજય કહે છે કે જ્યારે હું ફિલ્મની સ્ટોરી લખી રહ્યો હતો ત્યારે મારા મગજમાં માત્ર રણબીર કપૂર હતો.  જે પાત્રને આ સ્ક્રિપ્ટમાં રચવામાં આવ્યું છે તેને માત્ર રણબીર જ યોગ્ય રીતે જીવંત કરી શકે છે. તેથી મારી આ ફિલ્મ માટે હું રણબીરની રાહ જોવા તૈયાર છું. સંજય પોતાની વાત જારી રાખતાં કહે છે કે જો આ ફિલ્મ બનશે તો માત્ર રણબીરની સાથે જ. તાજેતરમાં રિલિઝ થયેલી ‘અય દિલ હૈ મુશ્કિલ’ની સફળતા બાદ રણબીર એન્ડ ફ્રેન્ડ્સે સક્સેસ પાર્ટીને ખૂબ જ એન્જોય કરી, પરંતુ તરત જ રણબીર આલિયા અને અયાન સાથે ‘ડ્રેગન’ની તૈયારીમાં વ્યસ્ત બન્યો. ‘ડ્રેગન’ અંગે કરણ જોહરે સોશિયલ મીડિયા પર સૌથી પહેલી જાણકારી આપી હતી. કરણ ડ્રેગનનો પ્રોડ્યૂસર છે. •
http://sambhaavnews.com/

You might also like