Ahmedabad શહેરના રેન બસેરા હવે ઘરવિહોણા લોકો માટે ર૪ કલાક ખુલ્લા રહેશે

અમદાવાદ: મ્ય‌ુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓએ ઘરવિહોણા લોકો કે જે રાતવાસો રોડ પર કરતા હોય તેમને હાડ થીજાવતી ઠંડી કે બારેમેઘ ખાંગા થયાં હોય તેવા વિષમ સંજોગો સહિતના સમયે રાતવાસો કરવા માટે રેન બસેેરા ઊભા કર્યા છે. શહેરભરમાં ર૮ રેન બસેેરા હોઇ હવે પછી આગામી સમયમાં આ તમામ રેન બસેેરા ઘરવિહોણા માટે ર૪ કલાક ખુલ્લા રહે તે દિશામાં ચક્રો ગ‌િતમાન કરાયાં છે.

તંત્ર દ્વારા જે તે રેન બસેેરાનું સંચાલન ખાનગી સંસ્થાને અપાયું છે, જેને રેન બસેેરામાં પથારી પ્રમાણે રૂ.ર૦ ચૂકવાય છે. એક રેન બસેેરામાં અંદાજે ૩૦ વ્યક્તિનો સમાવેશ થતો હોઇ શહેરભરના રેન બસેેરામાં વધુમાં વધુ ૯૦૦ વ્યકિત રાતવાસો કરી શકે છે, પરંતુ કેટલાક રેન બસેેરામાં પૂરતી વ્યવસ્થા નથી અથવા તો અસામાજિક તત્ત્વોના ત્રાસથી બંધ હાલતમાં છે.

મ્યુનિસિપલ કમિશનર મૂકેશકુમારના આદેશથી સંબંધિત અધિકારીઓ દ્વારા ગયા શિયાળાની કડકડતી ઠંડીમાં ઠીકરું થયેલા રોડ પર સૂતા લોકોને જગાડીને નજીકના રેન બસેરામાં રાતવાસો કરવા માટે મોકલાયા હતા. તે વખતે તંત્રની આ કામગીરીને લોકોએ વખાણી હતી.

સત્તાવાળાઓ દ્વારા નજીકના રેન બસેરામાં આવા લોકોને ખસેડવા માટે રિક્ષાનો પણ બંદોબસ્ત કરાયો હતો, જોકે હવે પછી ઘરવિહોણા લોકો માટે રેન બસેરા ફક્ત રાતવાસો કરવાનું સ્થળ રહેવાનું નથી. આગામી દિવસોમાં રેન બસેરાની નીતિરી‌િતમાં ધરખમ ફેરફાર આવી રહ્યા છે.

રાજ્ય સરકારના નવા પરિપત્ર મુજબ હવે તંત્ર આ તમામ રેન બસેેરાને શહેરી ઘરવિહોણા લોકો માટેનાં આશ્રયગૃહ તેવી ઓળખ આપવાનું છે. રાજ્ય સરકારના નવા ધારાધોરણ મુજબ શહેરી ઘરવિહોણા લોકોને ફક્ત રાતવાસા માટે નહીં, પરંતુ ર૪ કલાકનો આશ્રય આપવાની નીતિ નક્કી કરાઇ છે.

કોર્પોરેશનના સત્તાધીશોએ રાજ્યની નવી નીતિના આધારે ગત તા.૭ એપ્રિલ, ર૦૧૮એ કમિશનર મૂકેશકુમારની મંજૂરીથી વિવિધ એજન્સી પાસેથી આશ્રયગૃહના સંચાલન માટે એકસપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ મંગાવાયા હતા. આશ્રયગૃહના સંચાલન માટે એજન્સીઓને એમપેનલ કરવાની કવાયતના ભાગરૂપે એકસપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ મંગાવતાં વિવિધ સંસ્થાઓની કુલ ૩૦ દરખાસ્ત તંત્રને મળી હતી. ગત તા.૧૭ એપ્રિલ, ર૦૧૮ના રોજ આ તમામ દરખાસ્તની સત્તાવાળાઓએ પ્રાથમિક ચકાસણી કરી અને તેના આધારે ર૦ સંસ્થાને વિગતવાર પ્રેઝન્ટેશન કરવા માટે આમં‌ત્રિત  કરી હતી.

આધારભૂત સૂત્રો કહે છે કે ગઇ કાલે આ ર૦ સંસ્થાઓએ તંત્ર સમક્ષ પ્રેઝન્ટેશન કર્યું હતું. આ પ્રેઝન્ટેશનના આધારે હવે પછી ધારાધોરણ મુજબની સંસ્થાની એમપેનલ બનાવાશે, જોકે અત્યારે તો હાલની સિસ્ટમ મુજબ તમામ જૂના રેન બસેરાનું સંચાલન રહેશે. જ્યાં સુધી રાજય સરકારની ગ્રાંટ નહીં આવે ત્યાં સુધી જૂના રેન બસેરાને ઘરવિહોણા લોકો માટેનાં આશ્રયગૃહ તરીકે ર૪ કલાક ચાલુ રાખવા શક્ય નહીં બને. બીજા અર્થમાં એકાદ મહિના બાદ શહેરી ઘરવિહોણા લોકો માટે આશ્રયગૃહ ર૪ કલાક માટે ખુલ્લા રહે તેવી સંભાવના છે.

You might also like