સતના જિલ્લામાં રામવન નામનું સુંદર તીર્થઃ રામવન

ઉત્તર પ્રદેશમાં સતના જિલ્લામાં રામવન નામનું સુંદર તીર્થ છે. પ્રયાગ અથવા અલહાબાદથી ત્યાં જઈ શકાય છે. રામવન ‘માનસસંઘ’ નામે રજિસ્ટર્ડ સંસ્થાનું કેન્દ્રસ્થાન છે. એ સ્થાનમાં રામાયણને મૂર્તિમંત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હિંદુ ધર્મની લગભગ બધી શાખાઓ ને બધા સંપ્રદાયોનાં પ્રતીક એ સ્થાનમાં રાખવામાં આવ્યાં છે.
રામવનના મુખ્ય દ્વારમાં પ્રવેશ કરતાં પહેલાં દ્વારની આગળ વાણી અને વિનાયક એટલે કે સરસ્વતી અને ગણપતિનાં દર્શન થાય છે. ગોળાકાર ધરતી પરના સ્થંભ પર એ બંને મૂર્તિઓ સ્થાપિત કરેલી છે, અને એની નીચે તુલસીકૃત રામાયણના મંગલાચરણનો પ્રથમ શ્લોક લખ્યો છે : “અક્ષર અર્થાત્ શબ્દોના અર્થસમૂહ, રસ તથા છંદો, તેમ જ સર્વ મંગલોના રચનાર સરસ્વતી અને ગણપતિને હું વંદન કરું છું.” દ્વારમાં પ્રવેશ કરીને ડાબી તરફ વળીએ તો કૃષ્ણકુંજ આવે છે. ત્યાં જમનાજી તેમજ ગોવર્ધન અને એમના અધિદેવતા શ્રીકૃષ્ણ છે. એમની મુખમુદ્રા આશીર્વાદાત્મક છે. એમની પાછળ ગાય છે. ઉપરાંત, ત્યાં ગોપાલના વેશમાં લાકડી લઈને ગાય ચરાવતા, વાંસળી વગાડતા શ્રીકૃષ્ણની મૂર્તિ પણ જોવા મળે છે. કૃષ્ણકુંજમાં બીજા અવતારોની મૂર્તિઓ પણ ક્રમેક્રમે સ્થાપિત કરવામાં આવનાર છે. કૃષ્ણકુંજની જમણી બાજુએ ભાગવત ભવન છે. રામવનમાં ભાગવતની વિભિન્ન ટીકાઓ તેમ જ જુદાં જુદાં સંસ્કરણોની ૧૧૪ પ્રત સંગ્રહવામાં આવી છે. એમાં ર૬ હસ્તલિખિત પ્રત પણ છે. કુંજની બહારના પ્રાંગણમાં એક નૌકાકાર હોજ છે. એમાં સાત્વિકતા તથા જ્ઞાનના પ્રતીકરૂપ સફેદ કમળ છે.
પ્રાંગણના પૂર્વભાગમાં વાલ્મીકિ આશ્રમ છે. એમાં શિવ તથા પાર્વતીની મૂર્તિ, મનુ-શતરૂપાની મૂર્તિ, લોમશ મુનિ તથા ભરતની મૂર્તિ, અયોધ્યાવાસીઓની પ્રતીક મૂર્તિ, દેવર્ષિ નારદજીની, શાૈનકની, તેમ જ શતાનંદ, અને સનત્કુમાર આદિની મૂર્તિઓ છે. આગળ જતાં હનુમાનજી, શત્રુઘ્ન, વિભીષણ, સુગ્રીવ, સુતીક્ષ્ણ મુનિ અને નિષાદરાજની મૂર્તિઓ છે. એથી આગળ અયોધ્યાનું રાજભવન છે.
રામવનમાં તુલસી સંગ્રહાલય છે. જેમાં પુસ્તકો, હસ્તલેખો, ચિત્રો, મૂર્તિઓ, સિક્કાઓ અને ટિકિટોનો સંગ્રહ જોવા મળે છે. જૈન કક્ષમાં મહાવીર સ્વામી તથા બીજા તીર્થંકરોની મૂર્તિઓ છે. વૈષ્ણવ કક્ષમાં વિષ્ણુસ્વામી સંપ્રદાય, સ્વામી હરિદાસજી સંપ્રદાય, મધ્વ સંપ્રદાય તથા ચૈતન્ય સંપ્રદાયના કેટલાક કીમતી ગ્રંથોનો સંગ્રહ છે. એમાં એક અલગ સ્થાનમાં તુલસીદાસજીની પ્રતિમા સ્થાપેલી છે. •

You might also like