હિંમતનગરના ભાવપુરમાં બાળકી પર દુષ્કર્મ આચરતાં ટોળાંએ તોડફોડ-આગચંપી કરી

અમદાવાદ: સાબરકાંઠાના ભાવપુર ગામે સિરામિક ફેક્ટરીમાં કામ કરતા મજૂર દ્વારા ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ કરવામાં આવતાં ચકચાર મચી જવા પામી હતી. માસૂમ બાળકી સાથે દુષ્કર્મની ઘટનાને લઇ લોકોમાં રોષ ભભૂક્યો હતો. લોકોના ટોળાએ કંપનીમાં તોડફોડ અને આગચંપી કરી હતી.

ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. વધુ પરિસ્થિતિ ન વણસે માટે ફેક્ટરી પર પણ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

મળતી માહિતી મુજબ ગાંભોઇ તાલુકાના ભાવપુર ગામમાં આવેલી અનુપમ સિરામિક ફેક્ટરીની ઓરડીમાં કંપનીમાં જ કામ કરતા પરપ્રાંતીય મજૂરે એક ૩ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું.

દુષ્કર્મ બાદ બાળકીને નજીકમાં અવાવરું જગ્યાએ મૂકી દીધી હતી. ઘટનાના પગલે લોકોનાં ટોળેટોળાં કંપની પર ઊમટી પડ્યાં હતાં. ગુસ્સે ભરાયેલા લોકોએ ફેક્ટરીમાં તોડફોડ કરવાનું ચાલુ કર્યું હતું.

ડરી ગયેલ ફેક્ટરીના માલિક અને સ્ટાફ જીવ બચાવવા માટે ભાગી છૂટ્યો હતો. ગુસ્સે ભરાયેલા ટોળાએ આરોપીને પકડવાની માગ સાથે કંપનીમાં પાર્ક કરેલી બે ગાડી અને કંપનીની ઓરડીને આગ ચાંપી દીધી હતી.

ઘટનાની જાણ થતાં પોલીસ પણ દોડી આવી હતી અને મામલો કાબૂમાં લીધો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાળકીને હિંમતનગર સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

બાળકીની હાલત હાલ નાજુક જણાઈ રહી છે. ગાંભોઇ પોલીસે ગણતરીના કલાકોમાં દુષ્કર્મ આચરનાર આરોપીને ઝડપી લીધો હતો.

You might also like