રામોલમાં વ્યાજખોરના ત્રાસથી માતા અને પુત્રીએ ઝેર પીધું

અમદાવાદ: શહેરના રામોલ વિસ્તારમાં વ્યાજખોરની પઠાણી ઉધરાણીથી કંટાળીને માતા પુત્રીએ ઝેર પીને આત્મહત્યા કરવાની કોશિશ કરવાની ઘટના રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. દસ દિવસ પહેલાં વ્યાજખોરે રૂપિયાના બદલામાં લેણદારની પત્ની માગી હતી. રામોલ ગામમાં આવેલ શમા રો હાઉસમાં રહેતાં નિત્યાબહેન ઉર્ફે નીલોફર અલતાફહુસેન મન્સુરીએ વ્યાજખોરના ત્રાસની ફરિયાદ રામોલ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવી છે. નિત્યાબહેને પતિ શેખર રાજપૂત સાથે છુટાછેડા લીધા પછી અલતાફહુસેન સાથે બીજાં લગ્ન કર્યાં હતાં. અલતાફહુસેન ચાર વર્ષ પહેલા નવીન કોષ્ટિ પાસેથી 90 હજાર રૂપિયા ઉછીના લીધા હતા. બે મહિના સુધી રૂપિયા પરત નહીં આપતાં નવીને દર મહિને 90 હજારનું 20 ટકા વ્યાજ આપવું પડશે તેવી વાત અલતાફહુસેનને કરી હતી.

છેલ્લાં 4 વર્ષથી અલતાફહુસેન નવીનને સમયસર વ્યાજ આપતા હતા. પંદર દિવસ પહેલાં નવીન અલતાફહુસેનના ઘરે આવ્યો હતો અને અઢી લાખ રૂપિયા વ્યાજ સાથે માગતો હતો. અલતાફહુસેન રૂપિયા આપવાનો ઇનકાર કરતાં નવીન ઉશ્કેરાયો હતો અને વ્યાજના પૈસા આપી શકતો ના હોય તો તારી પત્નીને મારી સાથે મોકલી આપજે અને જો તું પૈસા નહીં આપે તો તારા આખા પરિવારને મારી નાખીશ તેવી ધમકી આપી હતી. વ્યાજખોર નવીને આપેલી ધમકીથી ગભરાઇને અલતાફહુસેન છેલ્લા દસ દિવસથી ઘર છોડીને જતા રહ્યા છે. તારીખ 14 માર્ચના રોજ સાંજના સાતેક વાગ્યાની આસપાસ નવીને નિત્યાબહેનને ફોન કર્યો હતો અને અલતાફહુસેન ક્યાં છે તેવું પૂછ્યું હતું. અલતાફહુસેન ઘર છોડીને ક્યાંક જતો રહ્યો હોવાનું નિત્યાબહેને કહેતાં નવીને તું ઓફિસ આવીને હિસાબ પૂરો કર તેવી ધમકી આપી હતી.

નવીનની ધમકીથી ગભરાઇને નિત્યાબહેન તેમના બે વર્ષનો પુત્ર મહંમદ અહદને તેમની બહેનના ઘરે મૂકી આવ્યાં હતાં. બીજા દિવસે નવીનની ધમકીઓથી કંટાળેલાં નિત્યાબહેન તથા તેમની 12 વર્ષની પુત્રી શિવરંજનીએ ઝેર પીને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. માતા પુત્રીને સારવાર માટે એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. રામોલ પોલીસ નવીન કોષ્ટી વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી છે અને અલતાફહુસેન ક્યાં છે તેને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.
http://sambhaavnews.com/

You might also like