‘રામોલ અને નારોલ પોલીસ સ્ટેશનમાં બોમ્બ મુકાયા છે’

અમદાવાદ: રામોલ અને નારોલ પોલીસ સ્ટેશનમાં બોમ્બ છે તેવો ફોન યુવકે પોલીસ કંટ્રોલરૂમમાં કરતાં ભારે દોડધામ મચી ગઇ હતી. વહેલી સવારના આઠ વાગ્યાની આસપાસ બોમ્બ સ્કવોડ, ડોગ સ્કવોડ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓના કાફલાએ રામોલ અને નારોલ પોલીસ સ્ટેશને પહોંચી જઇને સઘન ચેકિંગ શરૂ કર્યું હતું.

બન્ને પોલીસ સ્ટેશનની તપાસ બાદ કોઇ પણ શંકાસ્પદ વસ્તુ નહીં મળતાં પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. હાલ પોલીસે ફોન કરનાર યુવક કોણ છે તે શોધવા માટે તજવીજ શરૂ કરી છે.  વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આતંકી ઘટના ના ઘટે તે માટે સુરક્ષા એજન્સીઓ સહિત પોલીસ વિભાગ ર૪ કલાક સતર્ક છે. આજે વહેલી સવારે પોલીસ કંટ્રોલમાં એક અજાણ્યા યુવકે ફોન કરીને બે પોલીસ સ્ટેશનમાં બોમ્બ હોવાના મેસેજ આપતાં પોલીસબેડામાં દોડધામ મચી ગઇ હતી.

સવારે આઠ વાગ્યાની આસાપાસ એક યુવકે પોલીસ કંટ્રોલમાં ફોન કરીને રામોલ અને નારોલ પોલીસ સ્ટેશનમાં બોમ્બ હોવાનું જણાવ્યું હતું.

You might also like