દેશના ૧૪મા રાષ્ટ્રપતિ તરીકે રામનાથ કોવિંદે લીધા શપથ

નવી દિલ્હી: દેશના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં એક ભવ્ય સમારોહમાં ર૧ તોપની સલામી વચ્ચે ભારતના ૧૪મા રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. દેશના મુખ્ય ન્યાયમૂર્તિ જે.એસ. ખેહરે સંસદના સેન્ટ્રલ હોલમાં રામનાથ કોવિંદને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. આ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, વિદાય લઇ રહેલા રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી, પ્રધાનમંડળના સભ્યો, લોકસભાના સ્પીકર, રાજ્યસભાના અધ્યક્ષ, વિવિધ રાજ્યના રાજ્યપાલ અને મુખ્યપ્રધાનો, રાજદ્વારી મિશનોના વડાઓ, તમામ સાંસદો, ભારત સરકારના મુખ્ય લશ્કરી અધિકારીઓ અને અન્ય ગણમાન્ય અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા.

આજે સવારે ૧૦-૩૦ વાગ્યે નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાજઘાટ પર જઇને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યાર બાદ ૧૧-૧પ કલાકે રામનાથ કોવિંદ રાજઘાટથી સીધા રાષ્ટ્રપતિ ભવન ગયા હતા અને ત્યાં વિદાય લઇ રહેલા રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને મળ્યા હતા. તેમની આ મુલાકાતનો કાર્યક્રમ રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલમાં યોજાયો હતો. ૧૧-૪પ કલાકે રામનાથ કોવિંદ અને પ્રણવ મુખરજી એક જ કારમાં સવાર થઇને રાષ્ટ્રપતિ ભવનથી સંસદ ભવન પહોંચ્યા હતા.

સંસદ ભવનના ગેટ નં. પ પર ઉપરાષ્ટ્રપતિ, વડા પ્રધાન, લોકસભાના અધ્યક્ષ અનેે સંસદીય બાબતોના પ્રધાન કોવિંદ અને મુખરજીને સંસદના સેન્ટ્રલ હોલ સુધી દોરી ગયા હતા. સંસદના સેન્ટ્રલ હોલમાં મંચ પર વચ્ચેની ખુરશી પર વિદાય લઇ રહેલા રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી બિરાજ્યા હતા અને તેમની બાજુની ખુરશી પર નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બેઠક ગ્રહણ કરી હતી. ત્રીજી ખુરશી પર મુખ્ય ન્યાયમૂર્તિ જે. એસ. ખેહર બેઠા હતા અને બાકીની બે ખુરશીઓ પર એકમાં ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારી અને બીજી ખુરશી પર લોકસભાનાં અધ્યક્ષ સુમિત્રા મહાજન બેઠાં હતાં. ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ જે. એસ. ખેહરે રામનાથ કોવિંદને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા બાદ બંને રાષ્ટ્રપતિઓએ ખુરશી બદલી હતી.

શપથ ગ્રહણ કર્યા બાદ સેન્ટ્રલ હોલમાં નવા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાનું પ્રથમ પ્રવચન કર્યું હતું. ત્યારબાદ વડા પ્રધાન અને કેબિનેટના તમામ સભ્યોએ નવા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારબાદ રાષ્ટ્રપતિ બોડીગાર્ડની હાજરીમાં પ્રસિદ્ધ બગી પર સવાર થઇને કોવિંદ અને મુખરજી રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા બાદ નવા રાષ્ટ્રપતિને પ્રેસિડેન્ટ બોડીના નેતૃત્વમાં રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં ભવ્ય ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ ભવનમાં પહેલાંથી જ ઉપસ્થિત સમગ્ર કેબિનેટ નવા રાષ્ટ્રપતિને રાષ્ટ્રપતિ ભવનમાં દોરી ગયા હતા અને ર૧ તોપની સલામી આપવામાં આવી હતી. ત્યારબાદ નવા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, નાણાપ્રધાન અરુણ જેટલી સાથે વિદાય લેનાર રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને તેમના નવા નિવાસસ્થાન ૧૦, રાજાજીમાર્ગ સુધી મૂકવા જશે. અહીં કારમાં બંનેએ બેઠકની પોઝિશન બદલશે અને ત્યાંથી નવા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ ભવન પરત આવશે.
http://sambhaavnews.com/

You might also like