રાષ્ટ્રપતિ કોવિંદ અને તેમનાં પત્ની સાથે જગન્નાથપુરીના મંદિરમાં દુર્વ્યવહાર

ભુવનેશ્વર: દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને તેમનાં પત્ની સવિતા કોવિંદ સાથે ઓડિશાના સુપ્રસિદ્ધ શ્રી જગન્નાથપુરી મંદિરમાં દુર્વ્યવહારનો મામલો સામે આવ્યો છે. રાષ્ટ્રપતિ અને તેમનાં પત્ની લગભગ ત્રણેક મહિના અગાઉ એટલે કે ૧૮ માર્ચના રોજ જગન્નાથપુરીનાં દર્શન કરવા ગયા હતા, પરંતુ આ ઘટનાનો ખુલાસો મંદિર પ્રશાસનની બેઠકની મિનિટ્સ જાહેર થયા બાદ થયો છે.

જિલ્લા પ્રશાસને આ મામલામાં તપાસ શરૂ કરી દીધી છે. અહેવાલ અનુસાર મંદિરમાં સેવાદારોના એક જૂથે કહેવાતી રીતે ગર્ભગૃહની નજીક રાષ્ટ્રપતિનો રસ્તો રોકી દીધો હતો અને તેમની પત્નીને ધક્કો માર્યો હતો. અહેવાલો અનુસાર રાષ્ટ્રપતિ ભવને આ ઘટના સામે વિરોધ દર્શાવતા ૧૯ માર્ચના રોજ પુરીના કલેકટર અરવિંદ અગ્રવાલને સેવાદારોના દુુર્વ્યવહાર વિરુદ્ધ એક નોંધ મોકલી હતી અને ત્યાર બાદ શ્રી જગન્નાથ મંદિર પ્રશાસને એક બેઠક કરી હતી.

આ બેઠકની મિનિટ્સ અનુસાર રાષ્ટ્રપતિ અને તેમનાં પત્ની સવિતા કોવિંદ સારી રીતે દર્શન કરી શકયા નહોતા. આ માટે સવારે ૬-૩પથી ૮-૪૦ સુધી અન્ય શ્રદ્ધાળુઓ માટે મંદિર પણ બંધ રાખવામાં આવ્યું હતું.

જગન્નાથ મંદિરના સૌથી નીચેના ભાગમાં રાષ્ટ્રપતિ અને તેમનાં પત્ની જ્યારે રત્ન સિંહાસન નજીક પહોંચ્યા ત્યારે એક સેવાદારે તેમને રસ્તો આપ્યો નહોતો અને કેટલાક સેવાદારોએ કહેવાતી રીતે બંનેને કોણીથી ધક્કો માર્યો હતો.

You might also like