રમીઝની ઓલટાઈમ ઈલેવનમાં ગાવસ્કર, સચીન અને વીરુ

નવી દિલ્હી: આજકાલ પૂર્વ ક્રિકેટરોમાં પોતાની ઓલટાઇમ ‌ઇલેવન ટીમ બનાવવાનું ઝનૂન સવાર છે. આ ટીમમાં હવે એક વધુ નામ પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર રમીઝ રાજાનું ઉમેરાયું છે, જોકે રમીઝે ક્રિકેટને ઘણા સમય પહેલાં ગુડબાય કરી દીધું હતું, પરંતુ તે ક્રિકેટ કોમેન્ટરી માટે હજુ પણ પોતાના ચાહકોમાં લોકપ્રિય છે.

તાજેતરમાં રમીઝે પોતાની ઓલટાઇમ ઇલેવન ટીમને જાહેરાત કરી હતી. ખાસ વાત એ છે કે તેની ટીમમાં ત્રણ ભારતીય ક્રિકેટરોને સ્થાન પ્રાપ્ત થયું છે. આ ત્રણ ક્રિકેટરોમાં લિટલ માસ્ટર સુનીલ ગાવસ્કર, ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા સચીન તેંડુલકર અને મુલતાનના સુલતાન વીરેન્દ્ર સહેવાગનો સમાવેશ થાય છે.

પૂર્વ પાક. ક્રિકેટરે રમીઝે પોતાની ઓલટાઇમ ઇલેવન ટીમમાં સૌથી વધુ ચાર વેસ્ટઇન્ડીઝના ખેલાડીઓને સ્થાન આપ્યું છે. ભારત અને ઓસ્ટ્રેલિયાના ત્રણ-ત્રણ ખેલાડીઓને રમીઝે પોતાની ટીમમાં લીધા છે. સૌથી રસપ્રદ વાત એ છે કે આ ટીમમાં તેેણે પાકિસ્તાનના માત્ર એક જ ખેલાડીને સ્થાન આપ્યું છે અને તેનું નામ છે ઇમરાનખાન.

જોકે રમીઝે આ ટીમની કમાન ઇમરાનને સોંપી છે. રમીઝે વેસ્ટઇન્ડીઝના મહાન બેટ્સમેન સર વિવિયન રિચાર્ડને ત્રીજું સ્થાન આપ્યું છે. ચોથા અને પાંચમા નંબરે અનુક્રમે સચીન અને બ્રાયન લારાને સ્થાન મળ્યું છે. રમીઝે ગ્રેટેસ્ટ ઓલરાઉન્ડર સર ગેરી સોબર્સને પણ સ્થાન આપ્યું છે. બોલર તરીકે રમીઝે ઓસ્ટ્રેલિયાના બે મહાન બોલર્સને ટીમમાં સ્થાન આપ્યું છે. ફાસ્ટ બોલર તરીકે ગ્લેન મેકગ્રાથ અને સ્પિનર તરીકે શેન વોર્ન તેમજ વેસ્ટઇન્ડીઝના પૂર્વ બોલર માલ્કમ માર્શલની પસંદગી કરી છે.

You might also like