પત્રકાર મર્ડર કેસમાં આજે રામરહીમને સજા સંભળાવાશે

728_90

ચંડીગઢ: પંચકુલાની સીબીઆઈ કોર્ટ આજે પત્રકાર રામચંદ્ર છત્રપતિ મર્ડર કેસમાં ડેરા સચ્ચા સૌદા પ્રમુખ ગુરમિત રામરહીમ સહિત અન્યને સજા સંભળાવશે. ગુરમિત રામરહીમને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમ દ્વારા સજા સંભળાવવામાં આવશે. ગુરમિત રામરહીમ હાલ રોહતકની સુનારિયા જેલમાં બંધ છે. હરિયાણામાં પ્રથમ વખત અપરાધીઓને વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સજા સંભળાવવામાં આવશે.

હરિયાણા સરકારની અરજીને માન્ય રાખીને સીબીઆઈ કોર્ટે ૧૧ જાન્યુઆરીના રોજ ગુરમિત રામરહીમને અપરાધી જાહેર કર્યો હતો. ગુરમિત રામરહીમ ઉપરાંત ત્રણ અન્ય શખસને આઈપીસીની કલમ-૩૦૨ અને ૧૨૦- બી હેઠળ અપરાધી જાહેર કરવામાં આવ્યા હતા. અંબાલા જેલમાં બંધ અન્ય અપરાધીઓ કૃષ્ણલાલ, નિર્મલસિંહ અને કુલદીપસિંહને પણ આજે સજા સંભળાવવામાં આવશે.

ગુરમિત રામરહીમને સજા થવાની હોઈ પંચકુલા સહિત હરિયાણાનાં તમામ શહેરમાં કડક સુરક્ષા જાપ્તો ગોઠવવામાં આવ્યો છે કે જ્યાં ડેરા સચ્ચા સૌદાનો પ્રભાવ છે. સિરસામાં પોલીસે કાલે ફ્લેગમાર્ચ યોજી હતી. સિરસામાં બે મહિલા પોલીસદળની કંપની સહિત કુલ ૧૨ કંપની બહારથી મંગાવીને તહેનાત કરવામાં આવી છે. અહીં સીઆરપીએફની બે ટુકડીઓને એલર્ટ જારી કરાયું છે. આ ઉપરાંત પંચકુલા અને ફતેહાબાદમાં પણ કડક સુરક્ષા ગોઠવવામાં આવી છે.

સાધ્વી યૌનશોષણ કેસમાં સજા કાપી રહેલા ગુરમિત રામરહીમને આજે આજીવન કેદ કે મહત્તમ ફાંસીની સજા થઈ શકે છે. આ કેસ ૧૬ વર્ષ જૂનો છે. વર્ષ ૨૦૦૨માં પત્રકાર રામચંદ્ર છત્રપતિની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. રામચંદ્ર છત્રપતિ સતત પોતાના અખબારમાં ડેરા સચ્ચા સૌદામાં ચાલતી ગેરરીતિઓ અંગે અહેવાલો પ્રસિદ્ધ કરતા હતા.

You might also like
728_90