રામ ઘટોઘટ મહુડી ફૂલી!

મહાત્મા મૂળદાસજી જેવા સંતની કૃપાથી મુકુંદના અંતરમાં નાનપણથી જ મુમુક્ષુતા પાંગરી હતી. મુકુંદનું મન સહજ વિતરાગી સંત જેવું હતું. એમણે નાની ઉંમરે ભીષ્મ પ્રતિજ્ઞા કરી હતી કે, ‘આજીવન બ્રહ્મચર્ય પાળવું અને પોતાના આ સંકલ્પોને સિદ્ધ કરાવે એવા સદ્ગુરુને શોધી એમને ચરણે જીવન સમર્પિત કરી દેવું.’ ભગવદ્ભક્તિમાં ગુલતાન મુકુંદને સંસારના બંધનો ગમતાં નહોતાં. મુકુંદની મરજી નહોતી, છતાં જમાનાની રીત પ્રમાણે નાની ઉંમરે એમને પરણાવી દેવામાં આવ્યા હતા, પરંતુ જેમ કમળના વેલાથી હાથીને બાંધી શકાતો નથી, એમ સંસારનું આ બંધન મુકુંદને બાંધી શક્યું ન હતું. પરણ્યા પછી પણ મુકુંદ પોતાના બ્રહ્મચર્યની પ્રતિજ્ઞામાંથી ચલાયમાન થયા ન હતા; સામાન્ય સંસારીઓને મનાય નહિ એવી આ વાત છે.

મુકુંદનું હૈયું ઝાલી ભવસાગર પાર કરાવે એવા સદ્ગુરુની શોધ માટે તલસતું હતું. તેઓ કોઈ પણ ભોગે સંસારની જંજાળનાં બંધનોને તોડીને સદ્ગુરુની શોધમાં નીકળી જવા માગતા હતા, પરંતુ માતા પિતા અને સંબંધીજનો એમને છોડવા માગતા ન હતા. આખરે સંસારીઓના મનના મોહપાશને તોડવા માટે મુકુંદે એક યુક્તિ વિચારી. મુકુંદે ભાગવતજીમાં જડભરતજીની કથા સાંભળી હતી. મુકુંદે આ કથાને પોતાનાં જીવનમાં વણી. પોતે જ જડભરતની જેમ ઉન્મત્તભાવે વિચરવા લાગ્યા. ગામની ગલીઓમાં મુકુંદ ગાંડાની જેમ હસતા જાય, નાચતા જાય અને ગાતા જાય, ‘રામ ઘટોઘટ મહુડી ફૂલી…. રામ ઘટોઘટ મહુડી ફૂલી.’ આટલો ડાહ્યો ડમરો મુકુંદ આમ અચાનક ગાંડો કેમ થઈ ગયો… તે કોઈને  સમજાતું ન હતું! કોઈ કાંઈ પણ પૂછે તો મુકુંદ પૂછનાર તરફ હાથ લાંબો કરી ખડખડાટ હસે અને રામબાણ જેવું મહાવાક્ય બોલે, ‘રામ ઘટોઘટ મહુડી ફૂલી!’ મુકુંદના મુખેથી નીકળેલા આ મહાવાક્યનો અર્થ અદ્ભુત હતો.

‘ઘટોઘટમાં રામ બિરાજે છે, કર્તાહર્તા એ જ છે, છતાં મોહની-મદિરાનું  પાન કરી લોકો ‘મેં કર્યું, મેં કર્યું’  એમ મિથ્યા અભિમાનથી ફૂલાતા ફરે છે, પરંતુ પરમહંસના વચનનાં મર્મને સમજવાની શક્તિ પામર સંસારીઓમાં ક્યાંથી સંભવી શકે ? ધીરે ધીરે મુકુંદના ગાંડપણનું નાટક વધતું ચાલ્યું. તેઓ એકની વસ્તુ બીજાને ત્યાં અને બીજાની વસ્તુ ત્રીજાને ત્યાં મૂકી આવવા માંડ્યા. મુકુંદના આવાં ગાંડપણથી  લોકો ત્રાસી ગયા. મુકુંદનાં માતા પિતા પણ મુકુંદના આવા ગાંડપણની ફરિયાદો ઉપર ફરિયાદો સાંભળીને થાકી ગયા. અમરાપર ગામના આગેવાન દરબારો ભારે શાણા હતા. મુકુંદના ગાંડપણમાં ડોકાઈ રહેલા ડહાપણને તે પારખી ગયા હતા.

એક વાર એમણે મુકુંદને એકાંતમાં બોલાવીને કહ્યું, ‘મુકુંદ! સાચું બોલ, તું ગાંડો નથી, જાણી જોઈને ગાંડપણ કરે છે. તારા ગાંડપણનું રહસ્ય શું છે?’ પોતાના હૃદયની વાત સમજનાર વ્યક્તિ-વિશેષને પારખીને મુકુંદે દરબારને પેટ છૂટી વાત કરી, ‘બાપુ! મારે સંસારમાં રહેવું નથી. મને રજા અપાવી દ્યો.’ આખરે દરબારનાં દબાણથી માતા પિતાએે મુકુંદને છૂટા કર્યાં. પિંજરથી છૂટેલો હંસલો ઊડી તેમ મુકુંદે મુક્તિના માર્ગે ઉડાન ભરી.• લે.શાસ્ત્રી માધવપ્રિયદાસ સ્વામી, એસજીવીપી, ગુરુકુળ, છારોડી

You might also like