રામમંદિરનું નિર્માણ વર્ષના અંત સુધીમાં શરૂ થશેઃ સ્વામી

નવી દિલ્હી: ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીઅે દાવા કર્યો છે કે આ વર્ષના અંત સુધીમાં અયોધ્યામાં રામમંદિરનું નિર્માણકાર્ય શરૂ કરી દેવામાં આવશે. તેમણે જણાવ્યું કે નવમી જાન્યુઆરીઅે આ અંગે કાર્યયોજના જાહેર કરવામાં આવશે, જોકે સ્વામીઅે અેવી પણ સ્પષ્ટતા કરી છે કે મંદિરનું નિર્માણ કોઈ આંદોલન દ્વારા કરવામાં નહિ આવે.

સ્વામીઅે આશા વ્યકત કરી હતી કે ઓગસ્ટ કે સપ્ટેમ્બર સુધી આ મામલે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવી જશે. ગઈ કાલે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યાલયમાં પત્રકારો સાથે વાત કરતાં સ્વામીઅે જણાવ્યું કે આગામી બે કે ત્રણ માસમાં મંદિર નિર્માણનું કાર્ય શરૂ થઈ જાય તેવી અમને આશા છે. અન્યથા ૨૦૧૬ના અંત સુધીમાં તો આ કામ ચોક્કસ શરૂ થઈ જશે.

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈ આવો નિર્ણય લેવાયો છે કે કેમ? તેવા સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હત‌ું કે શ્રીરામ હિન્દુઓ માટે આસ્થા અને વિશ્વાસનું પ્રતીક છે. અયોધ્યામાં મંદિર નિર્માણ માટે દરેક હિન્દુ પ્રતિબદ્ધ છે અને તેથી ભગવાન શ્રીરામને ચૂંટણી સાથે જોડવા ન જોઈઅે.

તેમણે વધુમાં જણાવ્યું કે હિન્દુ અને મુસ્લિમો વચ્ચે આ બાબતે સૌહાર્દપૂર્ણ સમાધાન માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સ્વામીઅે વધુમાં જણાવ્યું કે આ મુદે દિલ્હી વિશ્વવિદ્યાલયમાં બે દિવસનું સંમેલન યોજવામાં આવશે, જેમાં લગભગ ૩૦૦ વિદ્વાન, શિક્ષણવિદ અને પુરાતત્ત્વવિદો આ મુદે ચર્ચા કરશે.

You might also like