રામ રહીમના ચેલાઓથી પંચકૂલા હિંસામાં હરિયાણા અને પંજાબને જંગી નુકસાન

ચંડીગઢ: ગઈ સાલ ૨૫ ઓગસ્ટના રોજ હિંસાનું તાંડવ કરનારા બળાત્કારી બાબા ગુરમિત રામ રહીમના ચેલાઓએ હરિયાણાને આ હિંસાના કારણે રૂ. ૧૨૬ કરોડ કરતાં વધુ રકમનું નુકસાન પહોંચાડ્યું છે. પંજાબ-હરિયાણા હાઈકોર્ટને રાજ્યના એડ્વોકેટ જનરલે સુપરત કરેલા હિંસાના નુકસાનના અહેવાલ પરથી આ હકીકતનો ઘટસ્ફોટ થયો છે.

એડ્વોકેટ જનરલે પંજાબ-હરિયાણા હાઈકોર્ટને જણાવ્યું હતું કે રામ-રહીમના અનુયાયીઓએ હિંસા આચરીને હરિયાણાને કુલ રૂ. ૧૬ કરોડ, ૬૮ લાખ, ૭૧ હજાર, ૭૦૦ રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું છે. તેમાંથી ૧૮.૨૯ કરોડની સંપત્તિ, ૮૮.૩૦ કરોડનું મહેસૂલ અને રૂ. ૨૦.૦૮ કરોડ હિંસા રોકવામાં થયેલા ખર્ચનો સમાવેશ થાય છે.

રામ રહીમના ડેરા સચ્ચા સૌદાના ગુંડાઓને કાબૂમાં રાખવા પોલીસ, સેના અને અર્ધલશ્કરી દળોને જંગી ખર્ચ કરવો પડ્યો હતો. જિલ્લામાં અંબાલાને સૌથી વધુ રૂ. ૪૬.૮૪ કરોડનું નુકસાન થયું હતું. નુકસાનની દૃષ્ટિએ ફતેહાબાદ બીજા નંબરે રહ્યું હતું જેને રૂ. ૧૪.૮૭ કરોડનું નુકસાન ભોગવવું પડ્યું છે. ડેરાના હિંસક સમર્થકોએ સિરસામાં કુલ રૂ. ૧૩.૫૭ કરોડનું નુકસાન પહોચાડ્યું હતું. હિંસાના કેન્દ્ર સમાન પંચકૂલામાં રૂ. ૧૦.૫૭ કરોડનું નુકસાન પહોંચાડ્યું હતું.

પંચકૂલામાં રોડવેઝને રૂ. ૧૩.૯૧ કરોડ, રેલવેને રૂ. ૧૨.૫૦ કરોડ અને એનએચએઆઈને રૂ. ૧.૮૬ કરોડનું નુકસાન થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે પંચકૂલા હિંસામાં ૩૬ લોકોનાં મોત થયાં હતાં. આ બંને રાજ્યમાં થયેલું નુકસાન ડેરા સચ્ચા સૌદાની સંપત્તિ જપ્ત કરીને ભરપાઈ કરવામાં આવનાર છે. રામ રહીમના ચેલાઓએ પંજાબને રૂ. ૨૦૦ કરોડનું અને ઉત્તર રેલવેને રૂ. ૭૫ કરોડની આવકનું નુકસાન પહોંચાડ્યું હતું.

You might also like