કેનેડામાં રામ રહીમે અેરપોર્ટ ખરીદવાની તૈયારી કરી હતી

ચંડીગઢ: ભારત સહિત પાંચ દેશોમાં ડેરાની શરૂઅાત બાદ રામ રહીમે કેનેડાના એક નાનકડા એરપોર્ટ પર હેંગર ખરીદવાની તૈયારી કરી લીધી હતી. કેનેડામાં ડેરા ચીફની બ્રિટિશ કોલંબિયાની ફ્રેઝર વેરીમાં એક નાનકડી અેર સ્ટ્રીપવાળા એરપોર્ટ ખરીદવા માટે વાતચીત ચાલી રહી હતી, પરંતુ ડીલ થતાં પહેલાં સાધ્વીઅોના રેપ કેસમાં બાબાને સજા થઈ ગઈ ત્યારથી ડીલ લટકી ગઈ છે. ત્યાંની શીખ કોમ્યુનિટી અાનો વિરોધ કરી રહી હતી. બીજી તરફ ગઈ કાલે રામ રહીમની માતા નસીબ કૌર તેને મળવા જેલ પહોંચી.

ઉલ્લેખનીય છે કે રામ રહીમને સીબીઅાઈ કોર્ટમાં ૨૦ વર્ષની સજા સંભળાવાઈ છે. હાલમાં તે રોહતક જેલમાં બંધ છે. કેને‌િડયન સૂત્રોના જણાવ્યા મુજબ કેનેડામાં ડેરા અનુયાયીઅોને પહેલાં જ મેસેજ અાપી દેવાયો હતો કે બાબા હવે ઘણો સમય કેનેડામાં વિતાવશે અને તેના માટે પ્રાઈવેટ જેટ તેમજ અેરપોર્ટની વ્યવસ્થા કરવામાં અાવે.

બાબાનું જેટ ઉડાવવા માટે એક ડેરા સપોર્ટરની પુત્રીઅે ટ્રે‌િનંગ અને ફ્લાઈંગ લાઈસન્સ પણ લીધું હતું. કેનેડાના ડેરા સપોર્ટર ફ્રેઝર લેક એરપોર્ટ, ફ્રેઝર લેક વોટર અેરોડ્રામ અને નોર્થ સેનેચી અેરપોર્ટમાંથી કોઈ પર પણ અેર સ્ટ્રીપ અથવા એક મોટું હેંગર ખરીદવા માટે ખુશ થતાં પૈસાનો કોઈ મુદ્દો ન હતો. મામલો ક્લિયરન્સનો હતો.

કેનેડા સરકારના દસ્તાવેજોમાં બાબા પર ચાલી રહેલા મર્ડર અને રેપ કેસ બાબતનો રિપોર્ટ નોંધાયો હતો. કેનેડાના શીખ દ્વારા કેનેડા સરકારને સતત અા અંગે અપડેટ અાપવામાં અાવતું હતું. અાવી હાલતમાં ડેરા સપોર્ટર્સે અેરપોર્ટ ખરીદવા માટે કાયદાકીય પડકારોનો સામનો કરવો પડ્યો.

પંજાબમાં શીખ સંગઠનો સાથે થયેલા સંઘર્ષ બાદ બાબા જાહેરમાં કેનેડાના કોઈ પણ અેરપોર્ટ પર દેખાવા ઇચ્છતા ન હતા, કેમ કે તેમનો વિરોધ થવાનું નક્કી હતું. તેથી તેઅો પ્રાઈવેટ એરપોર્ટ ખરીદવાના પ્લાન પર કામ કરી રહ્યા હતા.

મા સામે અાંખ ના મિલાવી શક્યાે
ગઈ કાલે ગુરમીતની માતા ગુરુ મા નસીબકૌર રામ રહીમને મળવા સુના‌િરયા જેલમાં પહોંચી. કૌર પોતાના પુત્ર ગુરમીત માટે કપડાં અને ખાવાનો સામાન લઈને અાવી હતી. બંનેની મુલાકાત લગભગ ૫૦ મિનિટ સુધી ચાલી. ઇન્ટરકોમ દ્વારા મિટિંગરૂમથી વાતચીત કરાવાઈ. અલગથી મુલાકાત માટે કોઈ જગ્યા નક્કી કરાઈ ન હતી. ગુરમીત સામાન્ય કેદીઅોની જેમ જ માતાને મળ્યો. માતાને બારી પર જોયા બાદ ગુરમીત ફરી વાર તેની સામે અાંખ ન મિલાવી શક્યો અને ભાવુક થઈ ગયો. બંનેની અાંખોમાં અાંસુ હતાં. માઅે તેને હાઈકોર્ટમાં કેસ લડવાની વાત પણ કહી.

પત્ની હજુ અાવી નથી
છેલ્લા ૨૧ દિવસથી જેલમાં બંધ ગુરમીતે ૧૦ લોકોને મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ ત્રણ અઠવાડિયાંથી સતત દર સોમવાર અને ગુરુવારે ગુરમીતની અાંખો રાહ જોતી હોવા છતાં પણ તેની પત્ની તેને મળવા હજુ સુધી અાવી નથી.

You might also like